અંતરરાષ્ટ્રીય માર્ગે થતી નશીલા પદાર્થોની તસ્કરી સામે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી અમદાવાદ આવી પહોંચેલી ફ્લાઇટના એક મુસાફર પર શંકા જતાં કસ્ટમ્સની ટીમે તેને અટકાવીને તેના સામાનની બારીકાઈથી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન મુસાફરના ચેક-ઇન બેગેજમાંથી રૂ. કરોડોની કિંમતનો ૮.૯૧૩ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો.

બેંગકોકની ફ્લાઇટમાંથી આવેલ પેસેન્જર પાસેથી ગાંજો જપ્ત

તસ્કર દ્વારા ડ્રગ્સ છુપાવવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. તેણે ટ્રોલી બેગમાં કપડાંની વચ્ચે ખાસ તૈયાર કરાયેલા ૧૪ એરટાઇટ (વિશેષ પ્લાસ્ટિક પેકિંગ) પેકેટોમાં આ ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો, જેથી એરપોર્ટ પર સ્કેનિંગ કે ગંધ દ્વારા તે પકડાઈ ન જાય. પરંતુ એર ઈન્ટેલિજન્સ યુનિટની સજાગતા અને ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ચેક-ઇન બેગેજમાં કપડાં વચ્ચે 14 એરટાઇટ પેકેટ મળ્યાં

કસ્ટમ્સ વિભાગે 8.913 કિલોગ્રામ ગાંજાનો જથ્થો 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ' (NDPS) એક્ટ હેઠળ જપ્ત કરી લીધો છે. માદક પદાર્થની તસ્કરી કરનાર સંબંધીત મુસાફરની સ્થળ પર જ અટકાયત કરી વિધિવત ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં આ હાઇબ્રિડ ગાંજો બેંગકોકથી કોણે આપ્યો હતો અને અમદાવાદમાં આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે અંગેની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ અને સ્થાનિક પેડલરો વચ્ચેના નેટવર્કને તોડી પાડવા માટે કસ્ટમ્સ વિભાગ દ્વારા આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Kheda: વડતાલ સંપ્રદાયમાં ફરી મોટા ફેરફારના એંધાણ; વલેટવા ગામે 'સત્ય સિદ્ધાંત સમિતિ'ની યોજાઈ મહત્વની બેઠક