અમદાવાદના એરપોર્ટ પર મોડી રાત્રે કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ સામે લડવામાં એક બહુ મોટી સફળતા મળી છે. થાઈલેન્ડમાં ગાંજો (મેડિકલ અને કમર્શિયલ ઉપયોગ માટે) લીગલ થયા બાદ, ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં બેંગકોકથી મોંઘા ભાવનો હાઈડ્રોપોનિક ગાંજો લાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેને રોકવા માટે એરપોર્ટ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.
પાંચ સિલ્વર પેકેટ અને સ્નિફર ડોગની કમાલ
અમદાવાદ કસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગકોકથી આવેલી ફ્લાઇટના મુસાફરોનું રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ચેક-ઇન બેગેજ કન્વેયર બેલ્ટ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કસ્ટમ્સના ટ્રેઇન્ડ સ્નિફર ડોગે એક ચોક્કસ ટ્રોલી બેગ પાસે જઈને શંકાસ્પદ હલચલ દર્શાવી હતી. સ્નિફર ડોગના અલાર્મ બાદ કસ્ટમ્સ અધિકારીઓએ તાત્કાલિક સંબંધિત મુસાફરને અટકાવી તેની બેગને એક્સ-રે સ્ક્રીનિંગ અને ફિઝિકલ ઓપનિંગ માટે મોકલી હતી. બેગ ખોલતા જ અંદર કપડાંની વચ્ચે છુપાવેલા પાંચ મોટા સિલ્વર કલરના વેક્યૂમ-સીલ્ડ પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટો ખોલવામાં આવતા તેમાંથી તીવ્ર ગંધ ધરાવતો 10.911 કિલો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.










