અમદાવાદ એરપોર્ટ પર એવિએશન સેફ્ટીના લીરેલીરા ઉડાડતી એક અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. એરપોર્ટના સિંગલ રનવે પર ટેક-ઓફ અને લેન્ડિંગની વ્યસ્ત પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનો એક જ ટ્રેક (રનવે) પર બિલકુલ સામસામે આવી ગયા હતા. આ અણધારી આફતના કારણે એરપોર્ટ કંટ્રોલ રૂમ અને બંને વિમાનના કોકપીટમાં બેઠેલા ક્રૂ મેમ્બર્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
કેવી રીતે સર્જાઈ આ ગંભીર પરિસ્થિતિ?
સત્તાવાર એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ રનવે પર પોતાની નિયત પ્રક્રિયામાં હતી, તે જ સમયે એર ઇન્ડિયાની ફ્લાઇટને એપ્રન તરફથી રનવે પર આવવા માટે ગ્રાઉન્ડ સિગ્નલ અપાયું હતું. જોકે, એર ઇન્ડિયાના પાઇલટે સિગ્નલ અને માર્કિંગ સમજવામાં થાપ ખાધી હતી અને વિમાનને નિર્ધારિત રૂટના બદલે રોંગ ટર્ન (ખોટો વળાંક) આપીને સીધું સામેથી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટની લાઈનમાં લાવી દીધું હતું. બંને પ્લેનની સ્પીડ કંટ્રોલમાં હોવાથી અને તેમની વચ્ચે આશરે ૨૦૦ મીટરનું અંતર બાકી હતું ત્યારે જ જમીન પર હાજર એન્જિનિયરો અને રડાર મોનિટરિંગ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી.
ATC ની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
આ ભયાનક લાઈવ દ્રશ્ય એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના રડાર સ્ક્રીન પર દેખાતા જ એર ટ્રાફિક કંટ્રોલરે કોઈ પણ સેકન્ડ ગુમાવ્યા વિના કટોકટીના ભાગરૂપે ઇમરજન્સી બ્રેક મારવાના અને એન્જિન હોલ્ડ કરવાના વાયરલેસ આદેશો બંને પાઇલટોને આપ્યા હતા. પાઇલટોએ પણ અત્યંત બુદ્ધિપૂર્વક સમયસર સજ્જડ બ્રેક મારી દેતા બંને તોતિંગ એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાતા બચી ગયા હતા. આ ઘટનામાં બંને વિમાનમાં સવાર સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ ગંભીર ચૂક બદલ એર ઇન્ડિયાના પાઇલટ અને ગ્રાઉન્ડ સ્ટાફ સામે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Sandesh Digital Explainer: જાણો કેમ યુરોપમાં હીટવેવની અસર ઘાતક સાબિત થઈ રહી છે?









