અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના 28 જેટલા મોકાના પ્રાઇમ પ્લોટ્સને વેચી દેવાના નિર્ણય સામે ભારે વિરોધ અને વિવાદનો વંટોળ ઊભો થયો છે. બજાર કિંમત મુજબ જે પ્લોટોની અંદાજિત કિંમત ₹5,000 કરોડ આંકવામાં આવી રહી છે, તે પ્લોટોને અડધી કિંમતે પધરાવી દેવાનો તખ્તો ઘડાયો હોવાના ગંભીર આક્ષેપો સાથે મનપાની નીતિ સામે આંગળીઓ ચિંધાઈ રહી છે. એક તરફ મનપા પાસે પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ અને રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા એનિમલ હોસ્ટેલ બનાવવા માટે પ્લોટની અછત હોવાના બહાના બનાવાય છે, ત્યારે બીજી તરફ બહુમૂલ્ય સરકારી જમીનોને પાણીના મૂલે વેચી દેવાની હિલચાલથી તંત્રના ઇરાદાઓ પર શંકાની સોય તકાઈ છે.
AMC ને ₹2200 કરોડની આવક છતાં પ્લોટ વેચવાની નોબત કેમ?
AMC ને મિલકત વેરો, પ્રોફેશનલ ટેક્સ અને અન્ય સ્રોતો થકી વર્ષે ₹2,200 કરોડથી વધુની માતબર આવક થાય છે. આ ઉપરાંત વાર્ષિક હજારો કરોડ રૂપિયાનું વિશાળ બજેટ હોવા છતાં મનપાને પોતાની કિંમતી જમીનો વેચવા શા માટે મજબૂર થવું પડી રહ્યું છે? શહેરના પોશ અને ડેવલપિંગ વિસ્તારોમાં આવેલા આ 28 પ્લોટ્સની ઓપન માર્કેટ વેલ્યૂ ₹5,000 કરોડથી વધુ છે. આ પ્લોટ્સને નિયત કિંમત કરતાં અડધા ભાવે વેચવામાં આવે તો મનપાની તિજોરીને સીધું અબજો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે. આ નુકસાન આખરે અમદાવાદના કરદાતા નાગરિકોના ખિસ્સા પર જ પડશે. જનતા અને રિયલ એસ્ટેટ નિષ્ણાતોમાં ચર્ચા છે કે મોટા બિલ્ડરો અને મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે આ પ્લોટ્સને સસ્તા ભાવે પધરાવવાની પેરવી થઈ રહી છે.
