અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય અને તંદુરસ્તી સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરમાં ખાદ્ય સુરક્ષા (Food Safety) અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ કરતી દુકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નાગરિકોની વ્યાપક અવરજવર વાળા વિસ્તારોમાં આવેલી ફરસાણ અને નાસ્તાની દુકાનો પર તંત્રની ટીમ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ઉજાલા અને માધુપુરામાં દુકાનો સીલ કરાઈ
આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ઉજાલા સર્કલ પાસે આવેલી પ્રખ્યાત 'સૌરાષ્ટ્ર ભજીયા-ગાંઠિયા' ની દુકાનને તાત્કાલિક ધોરણે સીલ કરી દીધી છે. આ ઉપરાંત માધુપુરા વિસ્તારમાં આવેલું 'ગાયત્રી ચવાણા સેન્ટર' પણ ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવ્યું છે. આ દુકાનોમાં ખાધ્ય સામગ્રીની બનાવટમાં ભારે અસ્વચ્છતા રાખવામાં આવતી હતી અને હાનિકારક પદાર્થો કે વાસી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાની પ્રાથમિક શંકાના આધારે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.
