અમદાવાદ શહેરમાં શૈક્ષણિક નિયમોને ઘોળીને પી જતી શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અત્યંત કડક પગલાં ભરવામાં આવ્યા છે. મણિનગર વિસ્તારમાં આવેલી ગ્રેસિયસ સ્કૂલ સામે DEO તંત્ર દ્વારા ધોરણ 1 થી 4 ની માન્યતા રદ કરવા માટેની સત્તાવાર ભલામણ કરવામાં આવી છે. શાળા સંચાલકો દ્વારા નિયમો વિરુદ્ધ જઈને કરવામાં આવેલા ગેરકાયદે વહીવટ અને મનમાની સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કાંકરિયાથી મણિનગરમાં વર્ગોનું ગેરકાયદે સ્થળાંતર કરાયાનો ખુલાસો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ શાળા અગાઉ કાંકરિયા વિસ્તારમાં કાર્યરત હતી, પરંતુ કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી કે સત્તાવાર મંજૂરી વગર શાળાના વર્ગોનું કાંકરિયાથી મણિનગરમાં ગેરકાયદે સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. આ ગેરરીતિ સામે આવતા DEO દ્વારા તાત્કાલિક ધોરણે પાંચ સભ્યોની એક વિશેષ તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા સ્થળ તપાસ કરીને તૈયાર કરાયેલા અહેવાલમાં શાળા દ્વારા મોટાપાયે નિયમભંગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું છે.
