અમદાવાદની ભવ્ય જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ તેના આયોજનનું સ્કેલ પણ વિશ્વભરમાં જાણીતું છે. લાખો શ્રદ્ધાળુઓ જ્યારે માર્ગો પર ઉતરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ મોટા પાયે પ્લાસ્ટિક, પાણીની બોટલો, પતરાળા અને કાગળ સહિતનો કચરો એકત્ર થતો હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) કોઈ પણ પ્રકારની ગંદકી ફેલાતી અટકાવવા માટે અગાઉથી જ માસ્ટર પ્લાન તૈયાર રાખ્યો હતો.
ભક્તિના પર્વ બાદ કર્તવ્યનો નવો રંગ
જેવા પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ પોતાના ગંતવ્ય સ્થાને પરત ફર્યા, કે તરત જ AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ હતી. 1000 થી વધુ સફાઈ કામદારોએ મોડી રાત્રે રથયાત્રાના સમગ્ર 22 કિલોમીટર લાંબા માર્ગ પર ઝાડુ અને મશીનરીની મદદથી સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. સવાર પડતાં સુધીમાં તો રસ્તાઓ પહેલાં જેવા જ સુંદર અને સુઘડ બનાવી દેવામાં આવ્યા હતા.
