અમદાવાદના સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર આવેલા ઐતિહાસિક અને કેન્દ્રીય રક્ષિત સ્મારક એવા 'ઝૂલતા મિનારા' તથા તેની બાજુના રોજી સિનેમા રોડના સમગ્ર વિસ્તારને વધુ ખુલ્લો, સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.

કાલુપુર રેલવે સ્ટેશનના વ્યાપક રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે કે 'પ્રોજેક્ટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ' બાદ દૈનિક અંદાજે 3 લાખ મુસાફરોની અવરજવર થવાની શક્યતા છે. આ આધુનિક રેલવે સ્ટેશનની સાથે ઐતિહાસિક સ્મારકનું સૌંદર્ય જળવાઈ રહે તે માટે આ સમગ્ર વિસ્તારને 'પબ્લિક પ્લાઝા' તરીકે વિકસાવવાનું આયોજન છે.

ભાડુઆતોની રજૂઆતોની સુનાવણી બાદ કાયદેસરની કાર્યવાહી

વર્ષો પહેલા ભાડાપટ્ટા અને રેન્ટ પરમિટના આધારે આશરે 20 દુકાનો તથા કોમર્શિયલ એકમોને આ જગ્યા ફાળવવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સંબંધિત ભાડુઆતોને કરારની શરતો મુજબ 30 દિવસમાં જગ્યા ખાલી કરવા જણાવાયું હતું. જે પૈકી 13 ભાડુઆતોએ વાંધા-રજૂઆતો કરી હતી, જેની યોગ્ય સુનાવણી હાથ ધર્યા બાદ જગ્યા પરત સોંપવાનો આદેશ કરાયો હતો. તાજેતરમાં, મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ૫ JCB મશીનો અને આશરે ૨૫ કર્મચારીઓની ટીમ દ્વારા આ મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.


2500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થતાં ઝૂલતા મિનારા દૃશ્યમાન થયા

આ સઘન કાર્યવાહી દરમિયાન આશરે 2500 ચોરસ મીટર જેટલી મૂલ્યવાન જગ્યાનો કબ્જો સફળતાપૂર્વક પરત મેળવવામાં આવ્યો છે. આ દબાણો અને બાંધકામો દૂર થવાથી લાંબા સમયથી આસપાસના અન્ય બાંધકામો પાછળ ઢંકાયેલા ઐતિહાસિક ઝૂલતા મિનારા હવે ફરીથી માર્ગ પરથી સ્પષ્ટપણે જોઈ શકાઈ છે. આ સુંદર પરિવર્તનને કારણે આ માર્ગ પરથી પસાર થતા નાગરિકો અને મુસાફરોને ઐતિહાસિક વારસાનું દર્શન થઈ રહ્યા છે.


આ પણ વાંચો: Ahmedabad News: સારંગપુર બ્રિજ તોડીને નવો બનાવાશે, 31 જુલાઈ 2027 સુધી આ વૈકલ્પિક માર્ગોનો કરો ઉપયોગ!