અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય અને ડેઝિગ્નેટેડ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી હોટેલો, રેસ્ટોરન્ટો, ડેરીઓ અને ખાદ્યપદાર્થ બનાવતા એકમોમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. જુલાઈ માસ દરમિયાન હાથ ધરાયેલી આ કડક તપાસણીના રિપોર્ટમાં કુલ 21 ખાદ્યપદાર્થોના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ અને અખાદ્ય માલૂમ પડતાં ફેલ થયા છે.
AMC આરોગ્ય વિભાગની મોટો દરોડો
આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, ફેલ થયેલા નમૂનાઓમાં દૈનિક વપરાશમાં લેવાતા ઘી, બટર, ગાર્લિક પેસ્ટ, વિવિધ ચટણીઓ અને પફ નો સમાવેશ થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે અગાઉ જેના નમૂના ફેલ થયા બાદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તે 'બચ્ચો કા પાસ્તા'નો સેમ્પલ વધુ એક વાર ફેલ જાહેર થયો છે. બાળકોના ખોરાક સાથે થઈ રહેલા આવા ચેડાં સામે તંત્ર દ્વારા કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
