અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય ચીજવસ્તુઓ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના નિયમોનું અનાદર કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી બેકરીઓ સામે લાલ આંખ કરીને તંત્રે વધુ બે બેકરીઓને સીલ મારી દીધી છે. તપાસ દરમિયાન આ એકમોમાં અત્યંત ગંદકી અને નિયમોના ઉલ્લંઘનની ગંભીર બાબતો સામે આવી હતી.
નારોલમાં 'મુસ્કાન' અને બહેરામપુરામાં 'પ્રિન્સ' બેકરી સીલ
AMCના ચેકિંગ દરમિયાન નારોલ વિસ્તારમાં આવેલી 'મુસ્કાન બેકરી' અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી 'પ્રિન્સ બેકરી' ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બંને ઉત્પાદન એકમો અત્યંત અનહાઇજેનિક અને ગંદકીભરી સ્થિતિમાં કાર્યરત હોવાનું માલૂમ પડ્યું હતું. એટલું જ નહીં, બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં ખાધ્ય સામગ્રી માટે વપરાતા મેદાના જથ્થામાંથી જીવાતો મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
