અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલય (કાંકરિયા ઝૂ) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧ થી ૭ ઓક્ટોબર દરમિયાન 'વન્ય પ્રાણી સપ્તાહ' (Wild Life Week) ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકો અને ખાસ કરીને બાળકોમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં AMC ઊજવશે વન્ય પ્રાણી સપ્તાહ

આ ઉજવણી અંતર્ગત AMC દ્વારા બાળકો માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. 1 થી 7 ઓક્ટોબર દરમિયાન કાંકરિયા ઝૂની મુલાકાત લેતા ૧૨ વર્ષ સુધીની વયના તમામ બાળકો માટે પ્રવેશ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવશે. આ નિર્ણયથી શાળાના બાળકો અને પરિવાર સાથે આવતા નાના બાળકો વન્યજીવો વિશે નજીકથી જાણકારી મેળવી શકશે.

કાંકરિયા ઝૂમાં 1 થી 7 ઓક્ટોબર દરમિયાન બાળકો માટે ફ્રી એન્ટ્રી

વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન કાંકરિયા ઝૂ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા, પર્યાવરણ અને પ્રાણી સંરક્ષણ વિષય પર વ્યાખ્યાનો તેમજ ઝૂ ગાઇડ દ્વારા વન્યજીવોના વર્તન અને ખોરાક અંગેની માહિતી આપતા શૈક્ષણિક સત્રો યોજાશે. AMC દ્વારા તમામ શહેરીજનોને પોતાના બાળકો સાથે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લઈ આ આયોજનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: આવતીકાલે બપોરે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી વચનપત્ર! જુઓ મુખ્ય વચનો