અમદાવાદ શહેરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ટેકનોલોજીસભર બનાવવાના ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટો નવો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી ઓગસ્ટથી શહેરમાં લગ્ન નોંધણીની જૂની ઓફલાઇન પદ્ધતિનો કાયમી અંત આવી રહ્યો છે અને તેના સ્થાને સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવી રહ્યું છે.
AMC દ્વારા એક મોટો નવો નિર્ણય લેવામાં આવ્યો
અત્યાર સુધી અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ 35,000થી વધુ લગ્નોની નોંધણી થતી હતી. શહેરીજનો પોતાના સંબંધિત વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Centre) ખાતે આવેલા જન્મ-મરણ અને લગ્ન નોંધણી કેન્દ્રમાં રૂબરૂ જઈને ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવતા હતા. પરંતુ ૧ ઓગસ્ટથી શહેરના તમામ 48 વોર્ડની એકપણ કચેરીમાં ઓફલાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
નવી ઓનલાઇન પ્રક્રિયા કેવી રીતે રહેશે?
નવી વ્યવસ્થા મુજબ, અરજદારોએ AMCની અધિકૃત વેબસાઇટ કે પોર્ટલ પર જઈને લગ્ન નોંધણીનું ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ ઓળખના પુરાવા, લગ્નની પત્રિકા, ફોટોગ્રાફ્સ અને સાક્ષીઓના તમામ જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવા માટે ઓનલાઇન સિસ્ટમમાંથી જ ટોકન મેળવવાનું રહેશે.
ઓફલાઇન પ્રક્રિયા બંધ થતાં નાગરિકોમાં ગૂંચવણ
AMC દ્વારા સંપૂર્ણપણે ઓનલાઇન મોડ અપનાવવામાં આવ્યો છે, પરંતુ તેની સામે ઓફલાઇન નોંધણીનો વિકલ્પ સાવ બંધ કરી દેવાનો નિર્ણય અમદાવાદીઓને ગળે ઊતરતો નથી. સામાન્ય અને ઓછું ભણેલા નાગરિકો તેમજ ટેકનોલોજીથી અજાણ લોકો માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ટોકન મેળવવાની પ્રક્રિયા જટિલ સાબિત થઈ શકે છે. આનાથી સાયબર કાફે કે એજન્ટોનો ભ્રષ્ટાચાર વધવાની દહેશત પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં સવારથી ધોધમાર, SDRFની ટીમો અને 26 બોટ સાથે તંત્ર ખડેપગે