વરસાદના વિરામ છતાં અમદાવાદમાં મચ્છરજન્ય રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને થલતેજ, સોલા, ગોતા, સાયન્સ સિટી અને વસંતનગર ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં મળીને એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 145થી વધુ કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બુધવારે મળેલી વીકલી રીવ્યૂ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓએ કરેલી કામગીરીની વિગત માંગી હતી.

બાંધકામ સાઇટને સાત દિવસ માટે સીલ કરો

આ વિસ્તારોમાં ચાલી રહેલી બાંધકામ સાઇટની કામગીરીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોવાનું એક અધિકારીએ કહેતા કમિશનરે કહ્યું,જે બાંધકામ સાઇટ ઉપરથી મચ્છર મળે એ બાંધકામ સાઇટને સાત દિવસ માટે સીલ કરો.કોરોનાના મહામારી સમયમાં પણ તમે આ પ્રકારની કામગીરી કરતા હતા.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પૈકી હજુ પણ અનેક હોસ્પિટલો તેમની હોસ્પિટલમાં નોંધાતા વિવિધ રોગના કેસનું અપડેટ કોર્પોરેશનને આપતી નથી.

115 હોસ્પિટલ કોર્પોરેશનને વિગત આપે છે

કમિશનરે કહ્યું હતું કે,આવી હોસ્પિટલોને નોટિસ આપી પેપરમાં તેમના નામ જાહેર કરો.જેથી લોકોને ખબર પડે કે આ હોસ્પિટલો રોગના કેસની વિગતો છુપાવે છે. અગાઉ 82 હોસ્પિટલ વિગત આપતી હતી,હવે 115 હોસ્પિટલ કોર્પોરેશનને વિગત આપે છે.વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસને નિયંત્રિત કરવા હેલ્થ-મલેરિયા વિભાગ સહિત કોર્પોરેશનના વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ, એસ.ટી.પી. વિભાગ સહિતના અધિકારીઓને પણ કામગીરી કરવા કમિશનરે અગાઉની મીટિંગમાં સૂચના આપી હતી.કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પણ મચ્છર મળી આવ્યા હતા. 

મચ્છરનો ઉપદ્રવ થવો જોઈએ નહીં

કમિશનરે વોટર ઓપરેશનના ઈજનેર પ્રભાકરને આ અંગે પૂછતા તેમણે કહ્યું,અમે 500-500 રૂપિયા પેનલ્ટી કરીએ છીએ.કમિશનરે પૂછ્યું, કોને પેનલ્ટી કરો છો? પ્રભાકરે જવાબ આપ્યો વર્કરને. તે સમયે કમિશનરે પૂછ્યું, તેને સેલેરી કેટલી આપો છો? પ્રભાકરે કહ્યું, રૂપિયા ૩૨ હજાર. ત્યારે કમિશનરે કહ્યું, પૂરી સેલેરી પેનલ્ટી તરીકે વસૂલ કરો તો ખબર પડશે કે મચ્છરનો ઉપદ્રવ થવો જોઈએ નહીં.

STPના એડિશનલ ઈજનેરને કમિશનરે આડે હાથ લીધા

કોર્પોરેશનના એસ.ટી.પી. વિભાગના એડિશનલ ઈજનેરે વીકલી રીવ્યૂ બેઠકમાં વચ્ચે ઊભા થઈ મ્યુનિ.કમિશનરને કહ્યું,સર,અમે એસ.ટી.પી.માં મચ્છર મળે તો રૂપિયા એક હજાર પેનલ્ટી વસૂલ કરીએ છીએ. કમિશનરે તેમના ઉત્સાહને ઠંડો પાડતા ટકોર કરતા કહ્યું, એજન્સીને રૂપિયા દસ હજારથી વધુ રકમની પેનલ્ટી કરો તો જ ખબર પડશે કે જો કોઈને ડેન્ગ્યુ થાય તો તેની સારવાર પાછળ કેટલો ખર્ચ પરિવારને કરવો પડે છે.

જંગલ મેં મોર નાચા કિસને દેખા? મ્યુનિ. કમિશનરનો વ્યંગ

પશ્ચિમ ઝોનમાં એક વોર્ડને સ્વચ્છતા માટે શહેરના શ્રેષ્ઠ વોર્ડ તરીકે કોર્પોરેશન તરફથી એવોર્ડ અપાયા હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓરંગાબાદકરે મ્યુનિ. કમિશનરની વીકલી રીવ્યૂ બેઠકમાં કહેતાં કમિશનરે વ્યંગ કરતા કહ્યું હતું કે, જંગલ મેં મોર નાચા કિસને દેખા? અહીં બેઠેલાઓને પૂછો કે તમે સ્વચ્છતા માટે તમારા ઝોનના કોઈ એક વોર્ડને એવોર્ડ આપ્યો તેની તેમને ખબર છે ખરી? કઈ બાબતોને લઈ સ્વચ્છતા માટેનો એવોર્ડ તમે આપ્યો એ ખબર છે ખરી?

આ પણ વાંચોઃ Kanpur : ‘ડાન્સ’ પાછળ છુપાયેલું હતું મોતનું કાવતરું? કરોડપતિ વેપારીની હત્યામાં વહુ પર ગંભીર આરોપ