અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 4 વર્ષ માટે વિશેષ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.આ આયોજન હેઠળ ઔદ્યોગિક એકમોના ધુમાડા અને બાંધકામથી ઊડતી ધૂળ પર મુખ્ય ફોકસ રાખવામાં આવશે.શહેરમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા ઘટાડવા તંત્ર દ્વારા તમામ સ્તરે પ્રયાસો તેજ કરાયા છે. શિયાળાની શરૂઆતમાં શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષણનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ઠેરનું ઠેર હોવાનું સામે આવ્યું છે. શહેરના મકરબા, એરપોર્ટ, બોપલ, ગોતા અને મણીનગરમાં હવાની ગુણવત્તાનો આંકડો હાઈ લેવલ સુધી પહોંચી ગયો છે.
નિયમોનું ઉલ્લંઘન કરતી કુલ 4114 બાંધકામ સાઇટોને નોટિસ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વાયુ પ્રદૂષણની માત્રા ઘટાડવા ચાર વર્ષનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ એક્શન પ્લાન અંતર્ગત મુખ્યત્વે ઔદ્યોગિક એકમોમાંથી ઉત્સર્જિત થતા ધુમાડા અને બાંધકામની વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન હવામાં ઊડતી ધૂળ પર વિશેષ ફોકસ રાખવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા છેલ્લા 8 મહિનાના સમયગાળામાં પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરતી કુલ 4114 બાંધકામ સાઇટોને નિયમાનુસાર કડક નોટિસો પાઠવવામાં આવી છે. નિર્ધારિત માર્ગદર્શિકા અને પર્યાવરણીય નિયમોનો ભંગ કરવા બદલ જવાબદાર એકમો સામે દંડાત્મક પગલાં ભરીને રૂ.3.25 કરોડથી પણ વધુ રકમનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
