અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા વિકાસના કામોમાં ઢીલ મૂકનાર એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરના તળાવના ડેવલપમેન્ટના કામ માટે સંબંધિત એજન્સી દ્વારા કામ પૂર્ણ કરવાની મુદતમાં વધુ 6 મહિનાનો સમય વધારો માંગવામાં આવ્યો હતો. જો કે, કોર્પોરેશનની રોડ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપવાનો સાફ ઈનકાર કરીને તેને પાછી મોકલી દીધી છે.
તળાવના કામ માટેની દરખાસ્ત ફગાવાઈ
રોડ કમિટીના ચેરમેને અધિકારીઓ અને એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જો કોર્પોરેશનની કોઈ વહીવટી પ્રક્રિયા અથવા ભૂલના કારણે કામમાં વિલંબ થયો હશે તો જ સમય વધારો મળવાપાત્ર રહેશે. અન્યથા તમામ એજન્સીઓએ કરાર મુજબ સમયસર જ કામ પૂર્ણ કરવું પડશે.કોર્પોરેશને નવી ગાઈડલાઈન નક્કી કરતા જણાવ્યું છે કે જો કોઈ વાજબી કારણોસર સમય વધારો જોઈતો હોય તો કામની મુદત પૂરી થવાના 15 દિવસ પહેલાં જ સત્તાવાર દરખાસ્ત કરવાની રહેશે.
