મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા.તે સમયે મુખ્યમંત્રીની જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું.શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા.તે સમયે મુખ્યમંત્રીની નજર આ બાળકો અને ગ્રામજનો પર પડી તેમણે તેમની ગાડી તાત્કાલિક ઉભી રખાવી હતી.

મર્યાદાઓ બાજુ પર મૂકીને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા

મુખ્યમંત્રી પ્રોટોકોલની તમામ મર્યાદાઓ બાજુ પર મૂકીને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ બાળકો તરફ આગળ વધ્યા.ગામડાના ધૂળિયા માર્ગ પર ગુજરાતના શાસકને પોતાની વચ્ચે જોઈને બાળકોના ચહેરા આશ્ચર્ય અને ખુશીથી ખીલી ઉઠ્યા હતા.મુખ્યમંત્રીએ કોઈ પણ ઔપચારિકતા વિના બાળકો સાથે બાલ સહજ ભાષામાં સંવાદ કરીને કઈ સ્કૂલમાં ભણો છો? શું અભ્યાસ કરો છો? જેવા પ્રશ્નો પૂછીને તેમણે બાળકોની પીઠ થાબડી હતી અને તેમને ભણીને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.બાળકો બાદ મુખ્યમંત્રીએ ત્યાં ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. 

ગામમાં કોઈ તકલીફ તો નથી ને?

ગામમાં કોઈ તકલીફ તો નથી ને? તેવી પૃચ્છા કરીને તેમણે વહીવટીતંત્ર પ્રત્યે પ્રજાના વિશ્વાસને વધુ મજબૂત કર્યો હતો.તેમણે વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ સાથે બાંધછોડ ન કરવી અને તેમને ભણાવવા. મુખ્યમંત્રીની આ સંવેદનશીલતા અને સામાન્ય માનવી પ્રત્યેની ચિંતા ગ્રામજનોના હૃદયને સ્પર્શી ગઈ હતી.આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની નજર નજીકના ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર પડી હતી.તેમણે તુરંત જ પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈ પરમાર પાસે જઈને તેમની સાથે ગોબરગેસ પ્લાન્ટના વપરાશ, તેનાથી થતા ફાયદા અને આ પ્લાન્ટ કેટલા સમયથી કાર્યરત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી માહિતી મેળવી હતી. 

આ પણ વાંચોઃ Ahmedabad News: રથયાત્રામાં વિખુટા પડેલા 64 બાળકોને શોધીને પોલીસે પરિવારને સોંપ્યા