અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને જન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.શહેરના 7 ઝોનમાં 1000થી પણ વધુ કન્સ્ટ્રક્શન સાઇટો પર કડક તપાસ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન 211 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા.આરોગ્ય વિભાગે મચ્છરોના બ્રિડિંગ ધરાવનાર 16 સાઇટોને તાત્કાલિક સીલ કરી દીધી છે.જ્યારે અન્ય 349 સાઇટોને નોટિસ ફટકારવામાં આવી છે.

રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં

શહેરમાં પાણી ભરાયેલું હોય તેવી સાઇટના જવાબદારો અને મેનેજરો માટે કોર્પોરેશનની સૂચના બાદ રજાઓ રદ્દ કરવાનો કડક નિર્ણય લેવાયો છે.રોગચાળાના આંકડા પર નજર કરીએ તો,શહેરમાં ડેન્ગ્યુના 60 અને મેલેરિયાના 38 કેસ નોંધાયા છે.જ્યારે માત્ર જુલાઈ મહિનામાં જ ડેન્ગ્યુના 40 કેસ સામે આવ્યા છે.આ સિવાય જુલાઈ માસમાં પાચનતંત્ર અને પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ ચિંતાજનક રહ્યું છે.જેમાં ઝાડા-ઉલટીના 422 કેસ,ટાઇફોઇડના 267 કેસ અને કમળાના 88 કેસ ચોપડે નોંધાયા છે.

આશરે 1800 જેટલા ઓઇલ બોલનો ઉપયોગ

તંત્ર દ્વારા લેવાયેલા પાણીના નમૂનાઓમાંથી 47 સેમ્પલ ફેલ સાબિત થતાં અશુદ્ધ પાણી પણ રોગચાળો ફેલાવવામાં મોટો ભાગ ભજવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકોને સાઇટ પર ભરાયેલા પાણીમાં તાત્કાલિક ઓઇલ નાખીને મચ્છરના બ્રીડિંગ અટકાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે અત્યાર સુધીમાં આશરે 1800 જેટલા ઓઇલ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. AMCના આરોગ્ય વિભાગે તમામ સાઇટ મેનેજરોને સ્પષ્ટ સૂચના આપી છે કે જો સાઇટ પર મચ્છરોનું બ્રીડિંગ કે પાણીનો ભરાવો જોવા મળશે તો તેમની સામે વધુ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gandhinagar News: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી: DGP જી.એસ. મલિક