અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે AMC ના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન વટવા, વેજલપુર અને ચાંદલોડિયા વિસ્તારમાંથી ગંભીર ગેરરીતિઓ સામે આવતાં તંત્ર દ્વારા 3 વેપારી એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં અખાદ્ય ખોરાક સામે AMCની કાર્યવાહી

તપાસમાં સામે આવ્યું છે કે વટવા ખાતે આવેલી M M ફૂડ પ્રોડક્ટ્સ માં આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા સિન્થેટિક કલરનો ઉપયોગ કરીને સોયા સોસ, ચીલી સોસ અને ચટણી બનાવવામાં આવતી હતી, જ્યાંથી 2516 કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેજલપુરના માતેશ્વરી ચવાણા માર્ટ માં પણ સિન્થેટિક કલરનો અનધિકૃત ઉપયોગ થતો હોવાથી તેને સીલ કરાયું છે.

2666 કિલો અખાદ્ય સામગ્રી સીઝ

ચાંદલોડિયાનું ગુજરાત ફ્રાય સેન્ટર કોઈપણ જાતના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતું હોવાથી તેને પણ સીલ મારી દેવાયું છે.AMC ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલા નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ મોટો ખુલાસો થયો છે. માધુપુરા વિસ્તારમાં આવેલા મહાવીર ઘી નો લેવાયેલો નમૂનો સરકારી લેબોરેટરી પરીક્ષણમાં 'સબ સ્ટાન્ડર્ડ' (ગુણવત્તાહીન) જાહેર થયો છે.

માધુપુરામાં 'મહાવીર ઘી' નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર

વટવા MM ફૂડ પ્રોડક્ટ્સમાંથી લાખોની કિંમતનો 2516 કિલોગ્રામ સોસ અને ચટણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. માધુપુરાના મહાવીર ઘી ખાતેથી 15 કિલોના પેકિંગ ધરાવતો કુલ 1140 કિલોગ્રામ ઘીનો જથ્થો વેચાણ અર્થે રોકી (સ્થગિત) દેવાયો છે, જેની બજાર કિંમત આશરે રૂ. 7,17,000 થાય છે.AMC ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ ખાણીપીણીના એકમો, હોટેલો અને પ્રોસેસિંગ યુનિટ્સ પર કડક ચેકિંગ ચાલુ રહેશે અને ગુણવત્તા વગરના કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચનારાઓ સામે દંડનીય તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: BSNL બલ્ક SMS કૌભાંડમાં પૂર્વ SDE ની અત્યાર સુધી કુલ રૂ. 2.30 કરોડની મિલકતો જપ્ત