દિવાળીના તહેવારો નજીક આવતા જ શહેરમાં ગેરકાયદેસર અને ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને ધમધમતા ફટાકડાના વેચાણ સામે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ આકરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ગીચ કોટ વિસ્તાર ગણાતા શાહપુરમાં કોઈપણ જાતની સત્તાવાર પરવાનગી કે એનઓસી (NOC) વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા 7 વેપારીઓ સામે એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમોએ ત્રાટકીને તમામ ૭ દુકાનોને સ્થળ પર જ સીલ કરી દીધી છે. મનપાની આ ઝંઝાવાતી કાર્યવાહીના પગલે ગેરકાયદે ફટાકડાનો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શાહપુર વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ
જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શાહપુરના મુખ્ય બજાર અને રહેણાંક સોસાયટીઓ નજીક આવેલી દુકાનોમાં કોઈપણ જાતના લાયસન્સ વગર ફટાકડાનો મોટો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી હતી.અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી વેપારીઓ પાસેથી સંબંધિત મંજૂરી અને ફાયર સેફ્ટીના સાધનો અંગે ચકાસણી હાથ ધરી હતી.કોઈપણ કાયદેસર આધાર-પુરાવા કે પરવાનગી ન મળતાં તંત્રએ તાત્કાલિક ધોરણે તમામ 7 દુકાનોને સીલ મારીને કામગીરી સ્થગિત કરાવી દીધી હતી.
