અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં લેવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે.જ્યાં છેલ્લા 6 વર્ષમાં ફોગિંગ પાછળ 12.45 કરોડનો તોતિંગ ખર્ચ કરીને બજેટમાં 3 ગણો વધારો કરવા છતાં પરિસ્થિતિ બેકાબૂ રહી છે.તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં નાગરિકોને કોઈ જ રાહત મળી નથી. શહેરમાં મચ્છરોના બ્રિડિંગને લઈને મનપા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે. ગંદકી ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ પરિણામ માત્ર શૂન્ય જ હોવાની સ્થિતિ સામે આવે છે. શહેરમાં સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. 

મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને મેલેરિયા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાયો નથી.શહેરમાં છેલ્લા 18 મહિના દરમિયાન ડેન્ગ્યુના 1882 જેટલા કેસ નોંધાતાં નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. વર્ષ 2025-26માટે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કામગીરી અને ઇન્ડોર સ્પ્રે માટે ખાનગી એજન્સીઓને રૂપિયા 12.45 કરોડ જેવા તોતિંગ બજેટ સાથે કોન્ટ્રાક્ટ આપ્યા છે.તંત્ર દ્વારા મોલ કમર્શિયલ કોમ્પ્લેક્સ અને બાંધકામ સાઈટો પર મચ્છરોના પોરાં નાશ કરવા માટે તપાસ અને ઝુંબેશ ચલાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં વધારો

આમ છતાં, ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો મેલેરિયા વિભાગની નબળી અને ચોપડા પરની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં ન આવતાં અને કેસો વધતાં મ્યુનિસિપલ કમિશનરે પણ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી પાસે સમગ્ર અમદાવાદ શહેરના ડેન્ગ્યુના ચોક્કસ આંકડા અને કામગીરીનો અહેવાલ માંગ્યો છે. કરોડો રૂપિયાના આંધણ પછી પણ પ્રજા રોગચાળાનો ભોગ બની રહી હોવાથી તંત્રના દંડ અને દવાના નીતિ-નિયમો સામે શંકા કુશંકાઓ સેવાય રહી છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?