થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો.જેનો અમલ હવે સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. AMC દ્વારા શહેરની ખાનગી સોસાયટીઓ અને પરિસરોમાં આવેલા વૃક્ષોના કટિંગ તેમજ ટ્રિમિંગ માટે એક નવી પોલિસી અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી AMC દ્વારા ખાનગી સોસાયટીઓની અંદર વૃક્ષ કાપવાની સેવા આપવામાં આવતી નહોતી, પરંતુ હવે તંત્ર પોતે આ કામગીરી હાથ ધરશે.
કટિંગ કરાવવા માટે તંત્ર દ્વારા ચોક્કસ ફી નક્કી કરાઈ
આ નવી નીતિ મુજબ, ખાનગી સોસાયટીઓ કે બંગલાઓમાં વૃક્ષોનું ટ્રિમિંગ અથવા કટિંગ કરાવવા માટે તંત્ર દ્વારા ચોક્કસ ફી નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત એક વૃક્ષ દીઠ 100 રૂપિયા અને વેસ્ટ નિકાલ માટે 150 પ્રતિ ટ્રેક્ટર ચાર્જ વસૂલવામાં આવશે. અત્યાર સુધી ખાનગી સોસાયટીઓના રહીશ કે સભ્યો વૃક્ષ કાપવા કે છાંટવા માટે ખાનગી મજૂરો રોકતા હતા. ત્યારબાદ આ મજૂરો વૃક્ષોનો લીલો કચરો કે ડાળીઓ જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે અવાવરૂ જગ્યાઓ પર ફેંકી દેતા હતા. જેનાથી ગંદકી ફેલાતી હતી અને વાહનચાલકોને ભારે અડચણ ઊભી થતી હતી.
