તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નાના-મોટા વેપારીઓ,લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને થયેલા આર્થિક નુકસાન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણય અંગે જણાવ્યું હતું કે,અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ,લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ વેપારીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયથી અસંતોષની લાગણી ઉજાગર કરી રહ્યાં છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂરથી થયેલી જાનમાલની ક્ષતિ અને આર્થિક નુકસાનની ચોક્કસ વિગતો મેળવવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી છે.શહેરના તમામ સાતેય ઝોનમાં આ સાત ટીમો દ્વારા વિસ્તૃત સર્વે હાથ ધરીને સમગ્ર નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.જે બાદમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. આ સમગ્ર સર્વે અને રાહત કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
