મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે નાના-મોટા વેપારીઓ,લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને થયેલા આર્થિક નુકસાન અંગે અત્યંત સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણય અંગે જણાવ્યું હતું કે,અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ,લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવી છે.

અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી
આ પુનઃવસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે.જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને રૂ.એક લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ
નુકસાનીની સહાયમાં ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ મળવાપાત્ર થશે.ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને નુકસાન સહાય માટે સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે.જે અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેવા એકમો આ પેકેજ અંતર્ગત સહાયપાત્ર થશે નહી.ગુજરાતના આર્થિક પાટનગર સમાન અમદાવાદના વેપારીઓ અને સ્વરોજગાર ધરાવતા નાગરિકો ઝડપથી પગભર થાય અને તેમનો વેપાર-રોજગાર પુનઃ પૂર્વવત બને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધતા સાથે તેમની સાથે ઊભી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : વર્લ્ડ બેંક પાસેથી ડ્રેનેજ લાઇન માટે 3 હજાર કરોડની લોન લીધી પણ પરિણામ શૂન્ય : કોંગ્રેસ