અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકનો પ્રારંભ થતાં જ વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.સભાખંડમાં ભારત માતા અને જય સંવિધાનના નારા સાથે વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.શહેરમાં પડેલા વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનની ક્ષમતા માત્ર 2 ઇંચ વરસાદ ઝીલવાની છે.આવી સ્થિતિમાં જ્યારે 20 ઇંચ જેટલો વરસાદ ખાબકે ત્યારે આખું શહેર સમુદ્ર બનવાનું જ હતું અને તેના કારણે જ 5 દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા.

કોંગ્રેસ કાઉન્સિલરે મેયર માટે શાયરી ઉચ્ચારી

શાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું હતું કે,કોર્પોરેશનનું રૂ.18 હજાર કરોડનું મસમોટું બજેટ હોવા છતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ છે.કોંગ્રેસ કાઉન્સિલરે મેયર હિતેશ બારોટ માટે શાયરી લલકારી હતી કે, હિતેશભાઇ તુમ બારીશ કી તરહ પ્યાર કરો મેં અમદાવાદ કી તરહ ડૂબ ન જાઉં તો કહેના.તેમણે આક્ષેપ કર્યો હતો કે બજેટના કરોડો રૂપિયા વપરાઈ ગયા હોવા છતાં શહેરીજનોને પૂરના પાણીમાં ડૂબવાનો વારો આવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે,એક ઝોનમાં 20 ઇંચ વરસાદ પડે તો પણ પાણી નથી ભરાતા અને 1950માં કોઈ પણ ડિગ્રી વગરના મજૂરો દ્વારા નાખવામાં આવેલી લાઇન આજે પણ અકબંધ છે.

આની જવાબદારી કોણ લેશે અને કોણ રાજીનામું આપશે?

જ્યારે આજે આઈએએસની ડિગ્રીઓ અને મોટા એન્જિનિયરો હોવા છતાં નવી લાઇન નાખતાની સાથે જ ત્યાં પાણી ભરાય છે જે અત્યંત શરમજનક બાબત છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ તળાવો ઇન્ટરલિંકિંગ કરવાની સૂચના આપી હતી અને વર્લ્ડ બેંક પાસેથી શહેરની સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇન માટે રૂ. 3000 કરોડની લોન લીધાને 3 વર્ષ થવા આવ્યા છતાં પરિણામ શૂન્ય છે.વિપક્ષે આકરો કટાક્ષ કરતા કહ્યું કે, જેમ પેપર લીકમાં શિક્ષણ મંત્રી રાજીનામું આપે છે, તેમ અહીં તો આખું શહેર પાણીમાં 'લીક' થઈ ગયું છે, તો આની જવાબદારી કોણ લેશે અને કોણ રાજીનામું આપશે?પૂરથી પ્રભાવિત વેપારીઓ અને દુકાનદારોને નુકસાનીનું વળતર તથા રાહત આપવા અને તેમની પાસેથી મિલકત વેરો ના વસૂલવાની વિપક્ષ દ્વારા જોરદાર માંગ કરવામાં આવી હતી.

હાટકેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાયા નથી

વિપક્ષ દ્વારા કરાયેલા આકરા આરોપોનો જવાબ આપતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,હવે પહેલાંની સરખામણીએ એક સામટો ધોધમાર વરસાદ પડવાની પેટર્ન જોવા મળી રહી છે.જે વૈશ્વિક હવામાન પરિવર્તનનું પરિણામ છે.માત્ર અમદાવાદ જ નહીં પરંતુ બેઇજિંગ, દુબઈ અને યુએસએ જેવા વૈશ્વિક શહેરોમાં પણ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ વિડીયોમાં જોઈ શકાય છે.જેની સરખામણી 18 જુલાઈ 2026ના રોજ ન્યૂયોર્કમાં સર્જાયેલી પરિસ્થિતિ અને અમદાવાદ સાથે કરી શકાય છે. અત્યાર સુધીનો આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ હોવાથી રોડ બંધ થયા હતા અને પાણી ભરાયાં હતાં. પરંતુ તંત્રની યોગ્ય કામગીરીના કારણે જ આ વખતે વંધન ટ્રાયંગલ અને હાટકેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાયા નથી. 

આ પણ વાંચોઃ Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ