કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન પર્યાવરણીય પડકારો અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે એક શક્તિશાળી રોડમેપ રજૂ કર્યો છે. અમદાવાદ ખાતે આયોજિત ગ્રીન ઇનિશિયેટિવ કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, "કોઈપણ સરકારી અભિયાન ત્યાં સુધી સફળ થઈ શકતું નથી જ્યાં સુધી તેમાં જનભાગીદારી ન જોડાય. થોડા સમય પહેલા મેં જ્યારે આ વિસ્તારમાં લાખો વૃક્ષો વાવવાનો વિચાર મૂક્યો હતો, ત્યારે લોકો આશંકા વ્યક્ત કરતા હતા કે આ લક્ષ્યાંક પૂરો થશે કે નહીં. પરંતુ આજે મને ગર્વ છે કે આપણા સજાગ નગરજનોના પ્રયાસોથી માત્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ 1.25 કરોડથી વધુ વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું છે અને આ ચળવળ હવે માત્ર એક સરકારી નારો ન રહેતા સાચા અર્થમાં 'જન આંદોલન' બની ગઈ છે."
ઓઝોન સ્તરમાં ગાબડાં અને વાહનોનું પ્રદૂષણ
વધતા શહેરીકરણ અને ટેકનોલોજીના કારણે પ્રકૃતિને થઈ રહેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, સતત વધતા વાહનો અને ઔદ્યોગિક એકમોના ધુમાડાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેણે પૃથ્વીના રક્ષણાત્મક કવચ સમાન ઓઝોન (Ozon) ના પડમાં ગાબડાં પાડ્યા છે. જો સૂર્યના હાનિકારક કિરણો સીધા પૃથ્વી પર આવશે તો માનવજીવન અશક્ય બની જશે. જો આપણે આપણી આગામી ૪ પેઢીઓ પછી પણ પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય, તો ઓઝોન સ્તરનું રક્ષણ કરવું જ પડશે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક પેડ મા કે નામ' નો દેશવ્યાપી નારો આપ્યો છે. આ અંતર્ગત દેશની પેરા મિલિટરી ફોર્સે પણ અભૂતપૂર્વ યોગદાન આપીને છેલ્લા 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવ્યા છે. આ તમામ વૃક્ષો ભારતીય આબોહવાને અનુકૂળ અને 100 વર્ષથી વધુનું આયુષ્ય ધરાવતા પરંપરાગત વૃક્ષો છે, જેનો ઘટાદાર છાંયો અને ઓક્સિજન આવનારી પેઢીઓ (તમારા પૌત્રો) ને મળશે.
