કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પોતાના સંસદીય મતવિસ્તારના વિકાસ કાર્યો અને પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે એક્શન મોડમાં આવ્યા છે. અમિત શાહ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી સમયના આયોજનો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેને પગલે વહીવટી તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે.
'હરિયાળી લોકસભા' અંતર્ગત વૃક્ષારોપણની સમીક્ષા
આ હાઈલેવલ બેઠકનો મુખ્ય એજન્ડા 'ગાંધીનગર લોકસભા હરિયાળી અભિયાન' છે. પોતાના સંસદીય ક્ષેત્રને વધુ લીલોછમ અને પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે અમિત શાહ સામૂહિક વૃક્ષારોપણ કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન મોટા પાયે કેવી રીતે વૃક્ષારોપણ કરવું અને પંથકમાં હરિયાળી વધારવી તેની વ્યુહરચના આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતી તમામ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી અમદાવાદ કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહીને અત્યાર સુધીની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
અમિત શાહની બે તબક્કામાં બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સર્કિટ હાઉસ ખાતે બે અલગ-અલગ તબક્કામાં બેઠક યોજી હતી. જેમાં પહેલી બેઠક અધિકારીઓ સાથે યોજી હતી. આ બેઠકમાં કલેક્ટર, મનપા કમિશનર અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે સરકારી યોજનાઓ, વૃક્ષારોપણના લક્ષ્યાંકો અને સરકારી જમીનો પર પ્લાન્ટેશનના આયોજનની સમીક્ષા કરી હતી. બીજી બેઠક સંગઠન સાથે કરી હતી. જેમાં સરકારી સ્તરે સમીક્ષા કર્યા બાદ અમિત શાહ ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જેમાં હરિયાળી અભિયાનને જન આંદોલન બનાવવા અને કાર્યકરોને વ્યાપક સ્તરે જોડવા માટે માર્ગદર્શન આપવામાં આવી હતી. આ બેઠકો દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણના જતનની સાથે-સાથે સંગઠન અને વહીવટી તંત્ર વચ્ચે અદભુત તાલમેલ જોવા મળ્યો હતો.
અમિત શાહની નેતાઓને કડક ટકોર
આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે નેતાઓને કડક ટકોર કરતાં જણાવ્યું હતું કે, માત્ર ખુલ્લા પ્લોટમાં વૃક્ષો વાવીને કામ પૂરું ન કરો, પરંતુ તેના ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી લો. તેમણે આ અભિયાનમાં સ્થાનિક સોસાયટીઓ, શાળાઓ અને કોલેજોને સાંકળીને લોકભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો, તેમજ નેતાઓને સવાલ કર્યો હતો કે, વૃક્ષારોપણ માટે કેટલા વોલેન્ટિયર્સ બનાવ્યા છે? સાથે જ તેમણે દરેક વિધાનસભા દીઠ દર 100 વ્યક્તિએ એક વોલેન્ટિયર બને તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો - Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, કુરિયર ડ્રગ્સ કેસમાં 70 લાખનું MD ડ્રગ્સ જપ્ત