કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી દેશની સૌપ્રથમ LNG (Liquefied Natural Gas) ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે આ પ્રથમ LNG ટ્રેનમાં મુસાફરી કરવાનો સૌભાગ્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે અમિત શાહે ગાંધી બાપુની આત્મબળ અને સત્યના પ્રયોગોની ધરતીને નમન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

1200 હોર્સ પાવરનું શક્તિશાળી એન્જિન અને 94% સ્વદેશી બનાવટ

આ નવા LNG એન્જિનની વિશેષતા જણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે આ એન્જિન 1200 હોર્સ પાવરની અત્યંત શક્તિશાળી ક્ષમતા ધરાવે છે, જે એકસાથે 600 ટ્રક જેટલો વજન ખેંચવા સક્ષમ છે. વધુમાં, જ્યારે તેમણે રેલવેના ઇજનેરને પૂછ્યું કે આમાં ભારતીય બનાવટનો હિસ્સો કેટલો છે, ત્યારે ઇજનેરે ગર્વ સાથે જણાવ્યું કે આ એન્જિનના નિર્માણમાં 94% સામગ્રી સંપૂર્ણપણે ભારતીય (સ્વદેશી) બનાવટની છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની મોટી સફળતા છે.

https://x.com/ANI/status/2104110384169058407?s=20

સાબરમતી સ્ટેશનનો કાયાકલ્પ અને વિપક્ષ પર પ્રહાર

પોતાના જૂના સંસ્મરણો વાગોળતાં અમિત શાહે જણાવ્યું કે એક સમયે દિલ્હીથી આવીને જ્યારે તેઓ સાબરમતી સ્ટેશન ઉતરતા ત્યારે રિક્ષા માટે 2 કિલોમીટર સુધી ચાલવું પડતું હતું. પરંતુ આજે રેલવે વિભાગે આ સ્ટેશનને એવું બદલી નાખ્યું છે કે કોઈ ઓળખી પણ ન શકે. આ વિકાસ કાર્યોને ટાંકીને તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2014 પહેલાં દેશ પર માત્ર એક પરિવારનું જ રાજ હતું, પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રેલવેમાં અમૂલચૂલ પરિવર્તન આવ્યું છે. 2014 પહેલાં રેલવેનું માત્ર 30% જ વિદ્યુતીકરણ થયું હતું, જ્યારે મોદી સરકારમાં આ આંકડો 70% થી વધુ થઈ ગયો છે.

આ પણ વાંચો : Gandhinagar News : વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે ગિફ્ટ સિટીમાં ભવ્ય કાર્યક્રમ, મંત્રી ડૉ. જયરામ ગામિત રહ્યા ઉપસ્થિત