કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ પોતાના સંસદિય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને નાગરિકોની રજૂઆતો સાંભળવા માટે ખાસ લોકદરબારનું આયોજન કરાશે.આ લોકદરબાર ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા બોપલ, આંબલી અને બોપલ-ઘુમા વિસ્તારમાં યોજવામાં આવશે.તાજેતરમાં જ આ વિસ્તારોમાં સર્જાયેલી જળભરાવની ગંભીર સમસ્યા તેમજ માળખાકીય સુવિધાઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે તેઓ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધશે.
જળભરાવના પ્રશ્નને ગૃહમંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધો
અમદાવાદ શહેરના મેયર હિતેન્દ્ર બારોટે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બોપલ અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા આ વિસ્તારમાં વસતી અને બાંધકામ બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે.ખાસ કરીને એસ.પી.રિંગ રોડની આસપાસના ચાર કિલોમીટરથી વધુના વિસ્તારમાં મોટા પાયે વિકાસ થયો છે.આ ડેવલપમેન્ટને પહોંચી વળવા માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ટીપી સ્કીમો ખોલવામાં આવી છે અને રોડ-રસ્તા, પીવાના પાણી તથા ડ્રેનેજ લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.તાજેતરના વરસાદ દરમિયાન સામે આવેલા જળભરાવના પ્રશ્નને ગૃહમંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધો છે.
