મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં આવેલા એક પહાડ પાસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના શુક્રવારે સામે આવી હતી.આઈફોનની ઈએમઆઈની જીદને કારણે એક પુત્ર આપઘાત કરવા ઊંચા પહાડ પરથી છલાંગ લગાવવા માટે પહોંચી ગયો હતો. પુત્ર પહાડ પર ગયો હોવાની જાણ થતાં જ તેના પિતા અને માતા સહિતના લોકો ત્યાં પહોચી ગયા હતાં અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુત્રએ પહાડ પરથી છલાંગ મારવા જતાં તેના પિતા તેને બચાવવા ગયા હતાં અને તેઓ પણ પહાડ પરથી નીચે પડ્યા હતાં. આ જોઈ પુત્રની માતાને પણ આઘાત લાગતાં તેમણે પણ આપઘાત કરી લીધો હતો. અચાનક એક પરિવાર મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો.
તેને પિતા સાથે બોલાચાલી થઈ હતી
પોલીસના જણાવ્ચા પ્રમાણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં માત્ર 18 વર્ષની ઊંમરનો કુણાલ નામનો યુવક ઊંચા પહાડ પર આપઘાત કરવા માટે પહોંચ્યો હતો. તેના આપઘાત કરવા પાછળનું કારણ જણાવતા પોલીસે કહ્યું હતું કે, આ કુણાલ નામના યુવકે એક આઈફોન ખરીદ્યો હતો. પરંતુ તે તેની ઈએમઆઈ નહોતો ચૂકવી શકતો. જેના માટે તેણે પરિવાર પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. જેથી તેને પિતા સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ કુણાલ ઘરેથી નીકળી ગયો અને ખવડ્યા પહાડ પર પહોંચી ગયો હતો.
