ઓનલાઈન ટેક્સી અને રિક્ષા બુકિંગ કરતી કંપનીઓની મનમાની અને પડતર માંગણીઓને લઈને અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ મોરચો માંડ્યો છે.7થી 10 સપ્ટેમ્બર સુધીની હડતાળના કારણે શહેરભરમાં રિક્ષા અને ટેક્સી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.શહેરમાં રાણીપ,સાબરમતી અને મેમનગર સહિતના વિસ્તારોમાં ચાલકોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું.રસ્તાઓ પર રિક્ષા કે કાર ઉપલબ્ધ ન થતાં મુસાફરો અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.આ હડતાળને કારણે શહેરનું સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર વ્યાપકપણે પ્રભાવિત થયો છે. જેના કારણે મહાનગર પાલિકા પણ હરકતમાં આવી ગઈ છે. બીઆરટીએસ અને એમટીએસના ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવી છે. 

રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMC હરકતમાં

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળના પગલે મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્વરિત હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુવિધા માટે BRTS અને AMTS બસનું સંચાલન સમયસર ચલાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.જે અંતર્ગત BRTSની બીજી શિફ્ટના ડ્રાઇવરોને સમયસર અને વહેલા પહોંચવા જણાવવામાં આવ્યું છે.જ્યારે AMTSમાં જ્યાં સુધી બીજી શિફ્ટના ડ્રાઇવર ચાર્જ ન સંભાળે ત્યાં સુધી બસ ન છોડવા માટે સ્પષ્ટ 967 બસોને વિવિધ રૂટ પર દોડાવવામાં આવી રહી છે જેથી મુસાફરોને મહત્તમ રાહત મળી રહે. બીજી તરફ રાણીપ બસ સ્ટેન્ડની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દાદાગીરી કરતા રિક્ષા ચાલકોને પોલીસે ભગાડી દીધા હતાં. 

સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની

સોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે.સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ અને સાબરમતી રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શિત કરતા રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી તેમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.ઝારખંડ અને દિલ્હીથી આવેલા પરપ્રાંતીય મુસાફરો સહિત અનેક લોકો કલાકો સુધી ફૂટપાથ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા.રિક્ષા કે કેબ સુવિધા ન મળવાના કારણે હડતાળનો સીધો માર સામાન્ય પેસેન્જરો પર પડ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન