ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન ભાઈબીજના માંગલિક પર્વ નિમિત્તે અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે એક વિશેષ અને અનોખી ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા ભાઈબીજના અવસરે શહેરની તમામ બહેનોને એક સુંદર ભેટ આપતાં દિવસભર વિનામૂલ્યે મુસાફરી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તંત્રના આ નિર્ણયને પગલે વહેલી સવારથી જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બસ સ્ટોપ અને ટર્મિનસ પર બહેનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સાણંદ અને બાવળા સુધી બહેનોએ કરી વિનામૂલ્યે સવારી

માત્ર શહેરના આંતરિક વિસ્તારો જ નહીં, પરંતુ અમદાવાદથી જોડાયેલા સાણંદ અને બાવળા જેવા ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારો સુધી દોડતી AMTS બસોમાં પણ બહેનોએ કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના આરામદાયક મુસાફરી કરી હતી.ભાઈના ઘરે તિલક કરવા અને આશીર્વાદ આપવા જતી હજારો મહિલાઓએ આ સેવાનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.

મહિલાઓ માટે એક વિશેષ અને અનોખી ઉજવણીનો માહોલ

જાહેર પરિવહન સરળ અને મફત બનતાં પરિવારો સાથે ઉત્સવ મનાવવા નીકળેલી મહિલાઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી. તહેવારના દિવસે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વના રૂટો પર સુચારુ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી, જેથી મહિલાઓ સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે.

આ પણ વાંચો: Gondal: કપુરીયા ચોકમાં નૂતન વર્ષે બેકાબૂ બાઇક સ્ટ્રીટ લાઇટના થાંભલે અથડાતાં 25 વર્ષીય યુવકનું મોત, 15 વર્ષીય સગીર ગંભીર