અમદાવાદમાં AMTS બસ સેવા લાખો નાગરિકોની રોજીંદી જરૂરિયાત હોવાથી તેમાં નિયમોનું પાલન અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. જોકે આ સેવામાં ફરજ બજાવતા ડ્રાઇવર અને કન્ડક્ટર દ્વારા જ મોટાપાયે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવતો હોવાની બાબતો સામે આવી છે. વિજિલન્સ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, નિયત બસ સ્ટોપ પર બસ ઊભી ન રાખવી, યુનિફોર્મ ન પહેરવો, મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપવી, મુસાફરો સાથે અયોગ્ય વર્તન કરવું તેમજ સિગ્નલ તોડવા જેવી ગંભીર ક્ષતિઓ સ્ટાફ દ્વારા વારંવાર આચરવામાં આવે છે. આ તમામ નિયમભંગ બદલ વિજિલન્સ વિભાગે છેલ્લા એક વર્ષમાં ડ્રાઇવર અને કન્ડક્ટરને કુલ મળીને 56,778 જેટલી નોટિસો ફટકારી છે. આ ઉપરાંત નિયમપાલનમાં નિષ્ફળ રહેલા ઓપરેટરો પાસેથી અંદાજે રૂ. 2 કરોડ 85 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.

મુસાફરો કન્ડક્ટર સીટ સુધી આવ્યા જ ન હોવાની દલીલ કરે છે.

બીજી તરફ, જાહેર પરિવહનમાં માત્ર સ્ટાફ જ નહીં, પરંતુ લાલ બસમાં મુસાફરી કરતા અનેક નાગરિકો પણ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ઘણા મુસાફરો મફત મુસાફરી કરવા ટેવાયેલા હોય તેવી અનિચ્છનીય સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે. વિજિલન્સ વિભાગ દ્વારા ચાલુ બસોમાં હાથ ધરાયેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન છેલ્લા એક વર્ષમાં કુલ 28,932 મુસાફરો ટિકિટ વગર ઝડપાઈ ગયા હતા. નિયમો તોડનારા આ મુસાફરો પાસેથી રૂ. 37 લાખથી વધુનો દંડ વસૂલ કરાયો છે. ચેકિંગ દરમિયાન ટિકિટ વગર પકડાયેલા લોકો અવનવાં બહાનાં રજૂ કરે છે. કોઈ કહે છે કે તેઓ હમણાં જ બસમાં બેઠા છે, તો કોઈ રોકડા પૈસા ન હોવાથી ઓનલાઇન ટિકિટ લેવાની વાત કરે છે. કેટલાક મુસાફરો કન્ડક્ટર સીટ સુધી આવ્યા જ ન હોવાની દલીલ કરે છે. દંડ ભરવાના મુદ્દે મુસાફરો અને વિજિલન્સ વચ્ચે ભારે રકઝક પણ સર્જાય છે.

વિજિલન્સ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

સમગ્ર વર્ષ દરમિયાન એક તરફ સ્ટાફ સામે 56,778 નોટિસ અને ઓપરેટરો પાસેથી કરોડોનો દંડ, જ્યારે બીજી તરફ ટિકિટ વગર પકડાયેલા 28,932 મુસાફરો સામે થયેલી કાર્યવાહી દર્શાવે છે કે વિજિલન્સ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં સૌથી મોટો અને પાયાનો પ્રશ્ન માત્ર કાર્યવાહી કે દંડ વસૂલાતનો નથી, તેના વાસ્તવિક પરિણામનો છે. આટલી મોટી સંખ્યામાં નોટિસ અને આકરા દંડની છતાં કર્મચારીઓમાં ફરજ પ્રત્યે શિસ્ત આવી છે કે નહીં તે વિચારવા જેવી બાબત છે. જો વર્ષે દહાડે હજારો લોકો મફત મુસાફરી કરતા ઝડપાતા હોય અને સ્ટાફ નિયમો તોડતો રહેતો હોય, તો માત્ર દંડ વસૂલવાથી AMTSની સમગ્ર વ્યવસ્થામાં કાયમી સુધારો આવશે કે કેમ તે ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચોઃ Morbi News: મને માત્ર કાગળ પૂરતો જ ચેરમેન રાખ્યો હતો, હળવદ પાલિકા કારોબારી ચેરમેને રાજીનામું ધર્યું