અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓમાં ગણાતી શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલ મોટી બેદરકારીને કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. શાળામાં અભ્યાસ કરતા એક નાના બાળકને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાની અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે વાલીઓમાં બાળકની સુરક્ષા અને આરોગ્યને લઈને ભારે ચિંતા અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને કારણદર્શક નોટિસ આપી છે અને વિગતવાર ખુલાસો પણ માંગ્યો છે.
ભોજનમાંથી કાચ નીકળતા વાલીઓની ફરિયાદ
માસૂમ બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓએ આ અંગે શાળા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ ભોજનમાંથી નીકળેલા કાચના ટુકડા અને શાળા પરિસરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. વાલીઓનો આરોપ છે કે, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાળકોના ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
રજૂઆત કરવા ગયેલા વાલીઓ સાથે શિક્ષકોનું ઉદ્ધતાઈભર્યું વર્તન
વાયરલ થયેલા વીડિયોમાં એવું પણ સામે આવ્યું છે કે, જ્યારે ચિંતિત વાલીઓ આ ગંભીર બાબતે શાળા તંત્ર અને શિક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે શિક્ષકોએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે વાલીઓ સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. શાળાના સ્ટાફ દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવતા વાલીઓનો રોષ બેવડાયો છે.
https://twitter.com/sandeshnews/status/2087112725713621388
શાળા તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અને વાલીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો છતાં, આનંદ નિકેતન સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે, નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બાળકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતી આ ઘટના સામે હવે શિક્ષણ વિભાગ કે, સ્થાનિક તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ગાજવીજ અને પવન સાથે તૂટી પડશે વરસાદ