અમદાવાદ શહેરમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતાં વાહનોના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના નરોડા રોડ પર આવેલા અરવિંદ મિલ નજીકના બીઆરટીએસ (BRTS) કોરિડોરમાં વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે એક બેફામ કાર સીધી ડિવાઈડર પર ચડી જતાં જોરદાર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દેતાં ગાડી પલટી મારતાં મારતાં બીઆરટીએસ ટ્રેકના પાકા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. વહેલી સવારનો સમય હોવાથી અને ટ્રેકમાં બીઆરટીએસ બસ કે અન્ય વાહનવ્યવહાર ન હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને વાહનચાલકોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે.

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત

વહેલી સવારે રસ્તાઓ સૂમસામ હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકને ઝોકું આવી ગયું હોય કે સ્પીડ પર કાબૂ ન રહ્યો હોય, જેના કારણે કાર સીધી અરવિંદ મિલ બીઆરટીએસ બસ સ્ટોપ નજીકના ટ્રેકના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતનો મોટો અવાજ આવતાં આસપાસના સિક્યુરિટી ગાર્ડ્સ અને સફાઈ કર્મચારીઓ દોડી આવ્યા હતા.

પીક અવર્સમાં ટ્રાફિક વ્યવહાર ખોરવાયો

કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર લોકોને એરબેગ્સ કે સમયસૂચકતાના કારણે સામાન્ય ઈજાઓ સિવાય કોઈ મોટી ઈજા થઈ નથી અને સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે.સવારના પહોરમાં અકસ્માત સર્જાયો હોવાથી બીઆરટીએસ બસોની નિયમિત અવરજવર શરૂ થાય તે પહેલાં ક્રેનની મદદથી કારને ટ્રેકમાંથી હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેથી સવારના પીક અવર્સમાં ટ્રાફિક વ્યવહાર ખોરવાયો નહોતો.

આ પણ વાંચો: Rajkot: સમાધાન થયા બાદ ઘરમાં ઘૂસી છરીના 8 ઘા ઝીંકી દીધા; પિતા અજિત સિંધવનું કમકમાટીભર્યું મોત, પુત્ર લોહીલુહાણ