અમદાવાદ શહેર પોલીસ દળની ગરિમા અને ખાખી વર્દીને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગંભીર ગુનાના કાચા કામના કેદીને સેન્ટ્રલ જેલ મોકલવાના બદલે ખુદ તેના સંબંધી એવા ASI (આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર) વસ્ત્રાલ લઈ ગયા હતા અને ત્યાંથી આરોપીને પોલીસ જાપ્તામાંથી ફરાર થવાની પૂરી તક પૂરી પાડી હતી. આટલું જ નહીં, સમગ્ર કાવતરા પર પડદો પાડવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં દૂધેશ્વર સર્કલ પાસેથી આરોપી ભાગી ગયો હોવાનો ખોટો મેસેજ પણ વહેતો કર્યો હતો. જોકે, માધવપુરા અને રામોલ પોલીસની સંયુક્ત તપાસમાં આ તરકટનો પર્દાફાશ થઈ જતાં ફરાર આરોપી અને મદદગાર ASI બંને વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સિવિલથી જેલ લઈ જવાના બદલે વસ્ત્રાલ કેમ પહોંચ્યા?

 નરોડાના દુષ્કર્મ કેસનો આરોપી રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ મળતાં નિયમ મુજબ પૂરતા પોલીસ જાપ્તા સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરવાનો હતો.હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ASI રાજેશ દયારામ આરોપી રાધે ઠક્કરના નજીકના સંબંધી થતા હોવાનું સામે આવ્યું છે. તેમણે નિયમ મુજબનો પૂરતો જાપ્તો સાથે રાખ્યા વિના જ આરોપીનો કબજો મેળવી લીધો હતો.સિવિલથી સીધા જેલ જવાને બદલે ASI રાજેશ દયારામ આરોપીને પોતાની સાથે છેક પૂર્વ વિસ્તારના વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા ખાતે લઈ ગયા હતા. જ્યાં તક મળતાં જ આરોપી રાધે ઠક્કર ત્યાંથી નાસી છૂટ્યો હતો.

દૂધેશ્વર સર્કલ ભાગ્યાનો ખોટો મેસેજ

આરોપી ભાગી ગયા બાદ પોતાના બચાવ માટે ASI રાજેશ દયારામે વાર્તા ઘડી કાઢી હતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં એવી ખોટી વર્દી લખાવી કે અસારવા સિવિલથી નીકળ્યા બાદ દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક વચ્ચે આરોપી તેને ચકમો આપીને ભાગી ગયો છે.મેસેજના આધારે માધવપુરા પોલીસ દોડતી થઈ હતી. જોકે, વિસ્તારના સીસીટીવી ફૂટેજ, લોકેશન અને સઘન પૂછપરછ કરતાં કોઈ શંકાસ્પદ ઘટના જોવા મળી નહોતી.ઉલટતપાસમાં ભાંડો ફૂટ્યો કે આરોપી વાસ્તવમાં વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા પાસેથી ભાગ્યો હતો.

ASI અને આરોપી સામે ગુનો દાખલ

પોલીસ કમિશનરેટ દ્વારા ખાખીની છબી ખરડનારા આ ગંભીર કૃત્યને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યું છે:આ સમગ્ર મામલે આર્મ્ડ યુનિટના પીઆઈ (PI) દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.રામોલ પોલીસે કસ્ટડીમાંથી નાસી છૂટનારા દુષ્કર્મના આરોપી રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર તેમજ તેને ભગાડવામાં મદદગારી કરનારા અને ખોટી માહિતી આપનારા ASI રાજેશ દયારામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ સહિતની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Porbandar: 163 કરોડ સાયબર ફ્રોડ કેસમાં હીરલબા જાડેજા સહિત ત્રણને હાઇકોર્ટે આપ્યા શરતી જામીન, અન્ય કેસોના કારણે જેલવાસ યથાવત્