અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસની હડતાળનો અંતે સંપૂર્ણ ફિયાસકો થયો છે. ત્રીજો દિવસ પૂરો થાય તે પહેલાં જ રિક્ષાચાલકોએ પોતાની હડતાળ સમેટી લેવાની ફરજ પડી છે. ગઈકાલથી જ આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હતો, પરંતુ આજે ત્રીજા દિવસે મોટા ભાગના ચાલકોએ વિરોધ છોડીને રસ્તા પર રિક્ષાઓ દોડાવવાનું શરૂ કરી દેતાં આંદોલન તદ્દન પડી ભાંગ્યું હતું.

ચાલકોમાં આંતરિક મતભેદ ઉભરી આવ્યા

વિગતવાર માહિતી મુજબ, ત્રણ દિવસની હડતાળ દરમિયાન રિક્ષાચાલકો અને વિવિધ યુનિયનો વચ્ચે આંતરિક મતભેદો સરેઆમ સપાટી પર આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન યુનિયનની બેઠકો યોજાઈ હોવા છતાં ચાલકોની માગણીઓ અંગે કોઈ ઉકેલ કે નક્કર આશ્વાસન મળ્યું ન હતું. બીજી તરફ, સતત ત્રણ દિવસ સુધી ધંધો-રોજગાર બંધ રાખીને આર્થિક નુકસાન વેઠવું પોસાય તેમ ન હોવાથી ચાલકોમાં જ વિભાજન પડ્યું હતું. પરિણામે, ત્રીજા દિવસે બંધ રાખવાની જીદ છોડીને ચાલકોએ સ્વયંભૂ રિક્ષાઓ રસ્તા પર ઉતારી દીધી હતી.

મુસાફરોને મોટી રાહત, શહેરમાં ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા સામાન્ય

હડતાળની આકરી જાહેરાતો વચ્ચે આંદોલન વહેલું આટોપી લેવાતાં અમદાવાદના દૈનિક મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. શહેરના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેન્ડ, આશ્રમ રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો પર રિક્ષાઓ રાબેતા મુજબ ઉપલબ્ધ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. માગણીઓનું નિરાકરણ આવ્યા વિના જ હડતાળનો અંત આવતાં ચાલકોના યુનિયનોમાં નિરાશા સાંપડી છે, જ્યારે સામાન્ય શહેરીજનોની હાલાકીનો અંત આવ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar News : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, વરસાદ ખેંચાતા સ્થિતિની થશે સમીક્ષા