અમદાવાદ શહેરમાં અંદાજે 1.5 લાખ રિક્ષા અને 40 હજારથી વધુ ટેક્સી કેબ મળી કુલ 2 લાખ વાહનચાલકો ભાડાનીતિ સહિતના પડતર પ્રશ્નોને લઈને આજથી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસની હડતાલ પર ઊતરી રહ્યા છે.બંને એસોસિએશનનો વિરોધ છે કે કેબ કંપનીઓ રિક્ષાના વધેલા દર સ્વીકારતી નથી.જ્યારે ટેક્સી માટે સરકારે હજુ સુધી કોઈ ચોક્કસ ભાડાનીતિ નક્કી કરી નથી.ઓછું ભાડું હોવાથી ઊંચા બળતણ ખર્ચ સામે ટેક્સીચાલકોને કોઈ બચત થતી નથી.
સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનશે
સોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બનશે.જોકે રાહતની વાત એ છે કે સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.બીજી તરફ,રિક્ષાના બે યુનિયનો આ હડતાલથી અલગ રહ્યા છે.તેઓ આંદોલન કરવાને બદલે વ્હાઇટ પ્લેટ સામે કડક કાર્યવાહી કરવા અને હાઇ કોર્ટની સૂચના છતાં કેબ કંપનીઓ પાસેથી ટેક્સ ન ઉઘરાવવા બદલ આરટીઓ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.
ટેક્સીના ભાડામાં તાત્કાલિક યોગ્ય વધારો કરવામાં આવે.
વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા અને ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા વાહનોને ડિટેઇન કરી 10 હજારના દંડની જોગવાઈનો કડક અમલ થાય.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો મુસાફરોને મૂકીને પરત જવાને બદલે ખોટા આઇડી બનાવી અમદાવાદમાં નિયમ વિરુદ્ધ ધંધો કરે છે, જેમના પર કડક કાર્યવાહી કરાય.કેબ કંપનીઓ દ્વારા બહારના રાજ્યોના વાહનોને આપવામાં આવતું પ્રોત્સાહન તાત્કાલિક બંધ થાય.
શું સરકાર રિક્ષા ચાલકોની માગ સ્વીકારશે?
ચાલુ હડતાળના પરિણામે સમગ્ર શહેરમાં જાહેર પરિવહન સેવાઓ પર અસાધારણ અને વધારાનું દબાણ સર્જાય તેવી વ્યાપક શક્યતાઓ સેવાઈ રહી છે.જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.આવીસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની અગવડતા દૂર કરવા માટે હવે રાજ્ય સરકાર અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા હડતાળ પર ઉતરેલા યુનિયનો તથા તેમના પ્રતિનિધિઓ સાથે મધ્યસ્થી સાધીને સકારાત્મક વાટાઘાટો હાથ ધરવામાં આવે છે કે નહીં, તે અત્યંત મહત્વનું બની રહેશે.હાલના તબક્કે બંને પક્ષો વચ્ચેની ચર્ચા દ્વારા કોઈ યોગ્ય અને સર્વસ્વીકૃત ઉકેલ લાવીને આ હડતાળ સમી જાય છે કે પરિસ્થિતિ વધુ વણસે છે તેના પર જ શહેરના તમામ નાગરિકો અને સત્તાધીશોની તીક્ષ્ણ નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Parisમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું, "ભારત-ફ્રાન્સના સંબંધોનું પ્રતીક બનશે મંદિર"