અમદાવાદ જિલ્લાના બગોદરા નજીક બાવળા તાલુકામાં આવેલો નાનોદરાથી દેવધોલેરાને જોડતો મહત્વનો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આશરે 2 વર્ષ પહેલા જ લાખોના ખર્ચે બનાવવામાં આવેલો આ રસ્તો આજે એટલો ખરાબ થઈ ગયો છે કે,વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં સ્થાનિકો અને રાહદારીઓમાં તંત્ર સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

દૈનિક મુસાફરો અને એમ્બ્યુલન્સ ચાલકો માટે માથાનો દુખાવો

માર્ગની દયનીય સ્થિતિના કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો અને નાના કારચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરજન્સીના સમયે દર્દીઓને લઈને જતી 108 એમ્બ્યુલન્સ હોય કે પછી રોજિંદા કામ માટે અવરજવર કરતા નોકરીયાતો અને ગ્રામજનો હોય, સૌ કોઈને આ રસ્તાના ખાડાઓમાંથી પસાર થવું પડે છે. ખાડાઓના કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ સતત સેવાઈ રહ્યો છે.

વોશ સેન્ડના યુનિટો અને ઓવરલોડ ડંફરો પર ગ્રામજનોના ગંભીર આક્ષેપ

રસ્તાની બિસ્માર હાલત અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, નાનોદરા-દેવધોલેરા રોડ પર આવેલા વોશ સેન્ડના અનેક યુનિટોમાંથી ઓવરલોડ ડંફરો સતત અવરજવર કરે છે. ક્ષમતા કે નિયમ કરતા વધુ રેતી ભરીને જતા ભારે વાહનોના કારણે રસ્તા પર અતિશય ભારણ પડે છે, જેના પરિણામે નવીન બનેલો રસ્તો ખૂબ જ ટૂંકા ગાળામાં તૂટી ગયો છે.

ખાણ-ખનીજ વિભાગ અને RTO તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, ખાણ-ખનીજ વિભાગ તેમજ RTO તંત્રની દેખરેખ હોવા છતાં ખનીજની ગેરકાયદે હેરફેર કે ઓવરલોડિંગ કરતા વાહનો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે, ઓવરલોડિંગ અંગેના આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે, પરંતુ 2 વર્ષમાં જ રસ્તો ધોવાઈ જતાં કોન્ટ્રાક્ટરની કામગીરી અને તંત્રના નિરીક્ષણ સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.

Ahmedabad News: Nanodra-Devdholera Road Damaged Within 2 Years Due to Overloaded Dumpers in Bagodra

તાત્કાલિક રોડનું સમારકામ અને સઘન તપાસની ઉગ્ર માગ

સ્થાનિક નાગરિકોની એક જ માગ છે કે, નાનોદરા-દેવધોલેરા રોડનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે. આ સાથે જ રસ્તાના નિર્માણમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા તેમજ ઓવરલોડ વાહનોની અવરજવર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.


આ પણ વાંચો - GSRTC News: રક્ષાબંધન અને જન્માષ્ટમી માટે ST નિગમનો નિર્ણય, દોડશે 9500 વધારાની બસો