આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારોમાં વતન જતા અને પ્રવાસે નીકળતા નાગરિકોને ટ્રાફિક કે બસની અછતનો સામનો ન કરવો પડે તે માટે નિગમે કુલ 9500 વધારાની બસો (ટ્રીપ) દોડાવવાનું આયોજન કર્યું છે.

રક્ષાબંધન પર્વ પર 6500 વધારાની ટ્રીપનું આયોજન

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોનો ધસારો સૌથી વધુ રહેતો હોય છે. આ બાબતને ધ્યાને રાખીને ST નિગમ દ્વારા 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ 5 દિવસના સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ રૂટ પર કુલ 6500 વધારાની ટ્રીપ ચલાવવામાં આવશે, જેથી મુસાફરો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે.

જન્માષ્ટમીના તહેવારોમાં દોડશે 3000 એક્સ્ટ્રા બસો

રક્ષાબંધન બાદ આવતા કૃષ્ણ જન્માષ્ટમીના લોકમેળા અને તહેવારો માટે પણ નિગમે આગોતરું આયોજન કરી લીધું છે. જન્માષ્ટમીની રજાઓ દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન વધારાની 3000 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ધાર્મિક સ્થળો તરફ જતાં યાત્રાળુઓને મોટી રાહત મળશે.


આ પણ વાંચો - Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....