ગુજરાતમાં નવી ચલણી નોટોની ભારે અછત જોવા મળી રહી હોવાનો મુદ્દો સામે આવ્યો છે.બેંકોમાં ખાતેદારોને નવી નોટો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.બીજી તરફ કાળાબજારિયાઓ પાસે નવી નોટોના ઢગલા હોવાના અહેવાલ છે.ખાસ કરીને લગ્નપ્રસંગો,સામાજિક કાર્યક્રમો અને શુભ પ્રસંગોમાં નવી નોટોની માંગ વધતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.બેંકોમાંથી પૂરતા પ્રમાણમાં નવી નોટો ન મળતાં લોકોને છૂટક અને નવી નોટો મેળવવા માટે વધુ કિંમત ચૂકવવાની ફરજ પડી રહી છે.નવી નોટોના નામે વધારાનું કમિશન વસૂલાતું હોવાની પણ ચર્ચા છે. સવાલ એ છે કે બેંકોમાં નોટોની અછત વચ્ચે કાળાબજારિયાઓ સુધી આટલી મોટી સંખ્યામાં નવી નોટો પહોંચી કેવી રીતે? નવી નોટોની ઉપલબ્ધતા અને કથિત કાળાબજારીને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
નવી કડકડતી નોટો મેળવવાની દાયકાઓ જૂની પરંપરા
દિવાળી પર્વે નવી કડકડતી નોટો મેળવવાની દાયકાઓ જૂની પરંપરા રહી છે.લક્ષ્મીપૂજન,ચોપડા પૂજન,બેસતા વર્ષે બાળકો-સ્નેહીઓને અપાતી બોણી તેમજ વેપારીઓ દ્વારા કર્મચારીઓને અપાતા શુકનમાં કડકડી ચલણી નોટો વહેંચવાની સામાજિક પ્રતિષ્ઠા ગણાય છે.આજે પૂંજીપતિ અને ક્યારેક કોડ આધારિત ડિજિટલ પેમેન્ટનું ચલણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હોવા છતાં, શુકનના પરબડિયા માટે રોકડની ડિમાન્ડમાં સહેજ પણ ઓટ આવી નથી.વેપારી-ઉદ્યોગકારોથી માંડી સામાન્ય નાગરિકો સુધીના તમામ વર્ગો દ્વારા નવી નોટો મેળવવા દોડધામ થઈ રહી છે, પરંતુ વર્ષો વર્ષ રિઝર્વ બેંક દ્વારા બજારમાં નવી નોટો મોકલવાનું પ્રમાણ ઘટાડવામાં આવી રહ્યાની છાપ છે.
એકાદ બે દિવસમાં નવો સ્ટોક આવશે તેવા જવાબો
નવી નોટો બજારમાં નહીં આવતાં કાળાબજારીયા તત્વ તુરંત સક્રિય થઈ ગયા છે. દિલ્હી ચકલા, માણેકચોક અને ગાંધી રોડ જેવા શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં મુલ્યવાન કમિશનની નોટોના સોદા પડી રહ્યા છે.નવી દસની નોટોના બંડલના રૂ.2400થી 600, વીસની નોટોના બંડલના રૂ.300થી 350 અને સો રૂપિયાની નવી નોટોના બંડલના રૂ.250થી 300 ઓન બોલાઈ રહ્યા છે.દસ રૂપિયાની નોટોની મૂલ્ય કિંમત રૂ.1000 સામે રૂ.1600 સુધીનું તોતિંગ કમિશન ચૂકવવા છતાં જરૂરિયાતમંદો કાળાબજારીયા પાસેથી બંડલ લેવા જતાં ત્યાં પણ માલ ખૂટી પડ્યો હોવાનું અને એકાદ-બે દિવસમાં નવો સ્ટોક આવશે તેવા જવાબો મળી રહ્યા છે.
દિવાળી પર્વના 10 દિવસ પૂર્વે નવી નોટોની ફાળવણી
સામાન્ય રીતે રિઝર્વ બેંક દ્વારા દિવાળી પર્વના 10 દિવસ પૂર્વે નવી નોટોની ફાળવણી કરી દેવાતી હોય છે અને તહેવારના સપ્તાહ પૂર્વે બેંકો દ્વારા કાઉન્ટર પરથી ગ્રાહકોને વિતરણ શરૂ કરી દેવાતું હોય છે.આ વર્ષે એકાદ બે બેંકોને બાદ કરતાં મોટા ભાગની કરન્સી ચેસ્ટ ધરાવતી શાખાઓ હજુ ખાલીખમ છે.બેંકોની નોટોની અછત સામે રિઝર્વ બેંક દ્વારા 10 રૂપિયાના સિક્કા પધરાવાશે તેવું ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય વેપારી કે નાગરિક બેંકના કાઉન્ટર પર જાય ત્યારે આરબીઆઈમાંથી સપ્લાય નથી તેવો એકધારો જવાબ મળે છે.બીજી તરફ દિલ્હી ચકલા અને માણેકચોકના ચોક્કસ ખૂણાઓમાં આરબીઆઈના સપ્લાય લિપ મારેલા પેકિંગ ખુલ્લેઆમ ઊંચા ભાવે વેચાય છે.બેંકિંગ તંત્ર,કરન્સી ચેસ્ટના વગદાર બાબુઓ અને વચેટિયાઓની આંતરિક સાઠગાંઠ વગર આ સિન્ડિકેટ શક્ય જ નથી.
આ પણ વાંચોઃ Rajkot News: રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલના માલિકની પુછપરછ થશે