રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર આવેલી હોટેલ સરાઝામાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા 33 મહિલાઓ સહિત 76 શખસોની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી, ધારાસભ્યના પિતરાઈ ભાઈ સહિત 38 આરોપીઓની દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરી છે અને 33 મહિલાઓ સહિતના બાકીના લોકોના મેડિકલ ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ અંગે માલવિયાનગર પોલીસે તપાસ કરતા બહાર આવ્યું હતું કે,આ સમગ્ર પ્રકરણના સૂત્રધાર અને ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલ પાર્ટી માટે રાજસ્થાનથી દારૂની 9 બોટલ લઈને આવ્યા હતા.જ્યારે અન્ય બે બોટલ તેનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ સાથે લઈને પાર્ટીમાં આવ્યો હતો.
નબીરાઓને પોલીસ સ્ટેશનમાં પણ તમામ સુવિધાઓ મળી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,કાલાવાડ રોડ પરની હોટેલ સરાઝામાં પાર્ટી થતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી તપાસ કરી હતી.જેમાં ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલે પોતાના જન્મદિવસની એડવાન્સમાં આ પાર્ટીનું આયોજન કર્યાનું બહાર આવ્યું હતું.પોલીસે ચિરાગ પટેલ, ધારાસભ્યના ભાઈ મનીષ વલ્લભભાઈ પટેલ, આરસીસી બેંકના ડિરેક્ટર જેનીલ નરેન્દ્રભાઈ નથવાણી સહિત 33 મહિલાઓ અને અન્ય પુરુષો મળી કુલ 76 લોકોની અટકાયત કરી હતી.હોટેલ સરાઝામાંથી ઝડપાયેલા આરોપીઓને છાવરવામાં તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સહેજ પણ કસર બાકી રાખી ન હતી.નબીરાઓને પોલીસ સ્ટેશનમાં પણ તમામ સુવિધાઓ મળી હતી.આખી રાત કાનૂની કાર્યવાહી બાદ સવારે આરોપીઓએ પોતાના ખર્ચે ચા ગાંઠિયા મંગાવીને નાસ્તો કર્યો હતો.
