અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું અને સ્થાનિક લારીધારકો તથા મહિલાઓ દ્વારા એસ્ટેટ વિભાગની ટીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વાત વણસતાં મામલો ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો.
એસ્ટેટની ગાડી પર પથ્થરમારો અને મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત
વિરોધ કરી રહેલી ઉશ્કેરાયેલી ભીડ અને મહિલાઓ દ્વારા એસ્ટેટ વિભાગની સરકારી ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનને નુકસાન પહોંચ્યું હતું. આ માથાકૂટ અને ઘર્ષણને કાબૂમાં લેવા માટે સ્થળ પર હાજર રહેલી મહિલા પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક વચ્ચે પડીને મહિલાઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઝપાઝપી અને પથ્થરમારાની ઘટનામાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

