અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ માટે સવારે ભારે ઉત્સાહ સાથે લાગુ કરવામાં આવેલી નવી 'કેપ્સ્યુલ સિસ્ટમ' રાત્રે પડતાં જ નિષ્ફળ સાબિત થઈ હતી. સવારે પકવાન ચાર રસ્તા પર પ્રયોગ ધોરણે અમલમાં મૂકવામાં આવેલી આ સિસ્ટમ એટલી અવ્યવસ્થિત સાબિત થઈ કે તંત્રને ગણતરીના કલાકોમાં જ તેને હટાવીને ફરીથી જૂની સિગ્નલ સિસ્ટમ ચાલુ કરવાની ફરજ પડી હતી.
વીવીઆઈપી મૂવમેન્ટ બની મોટું કારણ?
સ્થાનિક સ્તરે અને ચર્ચાસ્પદ બનેલી વિગતો મુજબ, આ અચાનક બદલાવ પાછળ એસજી હાઈવે પર રહેતી વીવીઆઈપી મૂવમેન્ટ મુખ્ય કારણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એસજી હાઈવે પર રોજિંદા ધોરણે વીવીઆઈપી વાહનોની અવરજવર રહેતી હોય છે, જેના કારણે કેપ્સ્યુલ સિસ્ટમ ટ્રાફિક સંભાળવામાં અક્ષમ સાબિત થઈ હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

