અમદાવાદ જિલ્લાના બાવળા નગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બાવળામાં ભાજપ સંગઠન અંદરખાને ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સક્રિય કોર્પોરેટર મધુબેને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.
કલેક્ટર અને પક્ષના હોદ્દેદારોને સોંપ્યું રાજીનામું
પોતાના રાજીનામા અંગે મધુબેને સત્તાવાર રીતે જિલ્લા કલેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અને ઉચ્ચ હોદ્દેદારોને પત્ર સુપરત કરી દીધો છે. અચાનક આવેલા આ રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, અને રાજકીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
બાવળા નગરપાલિકાનું પક્ષીય સમીકરણ
બાવળા નગરપાલિકાની વાત કરીએ તો અહીં કુલ 28 બેઠકો આવેલી છે. અગાઉની ચૂંટણીના પરિણામો મુજબ કુલ 28 બેઠકોમાંથી 13 કોર્પોરેટરો ભાજપના, 13 કોર્પોરેટરો કોંગ્રેસ પાર્ટીના જ્યારે 1 કોર્પોરેટર બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

બસપાના ટેકાથી સત્તા પર હતી ભાજપ
સંખ્યાબળની દૃષ્ટિએ કોઈ સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી બાવળા નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના સમર્થન અને ટેકાથી સત્તાના સિંહાસન પર બિરાજમાન થઈ હતી.

હવે ભાજપ પાસે માત્ર 12 કોર્પોરેટર બચ્યા
વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર મધુબેનના રાજીનામા બાદ હવે બાવળા નગરપાલિકામાં ભાજપનું સંખ્યા બળ ઘટી ગયું છે. મધુબેનના પક્ષ છોડવાથી હવે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના માત્ર 12 કોર્પોરેટર જ બાકી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં બાવળાની સત્તા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad Crime News: હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ પાછળ ડ્રગ્સ વેચતી કોંગ્રેસ નેતાની બહેન ઝડપાઈ!