અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ દ્વારા એક ચોંકાવનારો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોંઘા શોખ પૂરા કરવા માટે એક પરિણીત મહિલા ડ્રગ્સ પેડલર બની ગઈ હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાલ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને મહિલાની ધરપકડ કરી છે અને તેની પાસેથી લાખો રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.
સોનલબેન પટેલની ધરપકડ અને મુદ્દામાલ
અમદાવાદના વસ્ત્રાલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલી આ મહિલા ડ્રગ્સ પેડલરનું નામ સોનલબેન જીતેન્દ્રભાઈ પટેલ છે. પોલીસે તેની કડક પૂછપરછ અને તપાસ હાથ ધરતા તેના ઘરમાંથી 84.610 ગ્રામ 'ડોલર' તરીકે ઓળખાતું MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 2.53 લાખ રૂપિયા જેટલી થાય છે. આ સાથે પોલીસે કુલ 2.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાયપુર દરવાજાના મોહમ્મદ સાથે કનેક્શન
પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, સોનલબેનને આ ડ્રગ્સનો જથ્થો રાયપુર દરવાજા ખાતે રહેતા મોહમ્મદ નામના શખ્સે પૂરો પાડ્યો હતો. મોહમ્મદ પાસેથી આ ડ્રગ્સ મહિલા માત્ર 40,000 થી 50,000 રૂપિયામાં ખરીદતી હતી અને ત્યારબાદ તેને છૂટક વેચાણમાં 1,20,000 થી 1,30,000 રૂપિયા સુધીના ઊંચા ભાવમાં વેચતી હતી. આ રીતે તે મોટો નફો રળીને પોતાના મોજશોખ પૂરા કરતી હતી.

ગરબા ક્લાસથી શરૂ થયો હતો ડ્રગ્સનો કાળો કારોબાર
સુખી સંપન્ન પરિવારની આ પરિણીતા છેલ્લા કેટલાક સમયથી તેના પતિથી અલગ રહે છે. અંદાજે ત્રણ વર્ષ પહેલાં સિંધુભવન રોડ પર 'રંગતાળી' નામના ગરબા ક્લાસના આયોજન વખતે પંકજ દરજી નામનો મિત્ર તેના સંપર્કમાં આવ્યો હતો. આ મિત્રએ જ તેને રાયપુર દરવાજાના ડ્રગ ડીલર મોહમ્મદ સાથે મુલાકાત કરાવી હતી. છેલ્લા ચાર મહિનાથી તે સતત મોહમ્મદ પાસેથી MD ડ્રગ્સ મેળવીને વસ્ત્રાલ અને આસપાસના વિસ્તારોમાં નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતી હતી. તે મહિનામાં ૪ થી ૫ વખત જથ્થો લાવતી હતી.

રાજકીય કનેક્શન અને હાઈપ્રોફાઈલ શોખ
ઝડપાયેલી સોનલ પટેલ કોંગ્રેસના મહિલા આગેવાન ગીતા પટેલની બહેન હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વસ્ત્રાલમાં કાપડનું જોબ વર્ક કરતી આ મહિલા સોશિયલ મીડિયા પર હાઈપ્રોફાઈલ પાર્ટી કલ્ચર અને મોંઘી જીવનશૈલી જીવતી હતી. ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદે જ તેને ગ્રાહકો પણ આપ્યા હતા, જેઓ ઓનલાઈન નાણાં ચૂકવીને ડ્રગ્સ મેળવતા હતા. હાલ વસ્ત્રાલ પોલીસે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય નશેડી ગ્રાહકોની યાદી તૈયાર કરીને સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad News: પોલીસ કર્મચારીઓ સાથે કરોડોની ઠગાઈ, 50 લાખ પડાવનારા પિતા-પુત્ર ઝડપાઈ