અમદાવાદ ગ્રામ્યના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા બાવળા-બગોદરા હાઈવે પર મોડી રાત્રે અગ્નિકાંડની વધુ એક ભયાવહ ઘટના સામે આવી છે. બાવળા તાલુકાના કલ્યાણગઢ મુકામે આવેલી ‘તિવાના ઓઈલ મિલ્સ પ્રા. લિ.’ (Tiwana Oil Mills Pvt. Ltd.) ના પ્લાન્ટ પરિસરમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરી પરિસરમાં આવેલા વિશાળ અને ઊંચા ટાવર સ્ટ્રક્ચરમાંથી અચાનક આગની પ્રચંડ જ્વાળાઓ નીકળવા લાગતાં સમગ્ર વિસ્તાર આગના અજવાળાથી ઝળહળી ઊઠ્યો હતો. ઓઈલ મિલ હોવાના કારણે પરિસરમાં મોટા-મોટા ઓઈલ સ્ટોરેજ ટેન્કો પણ આવેલા હતા, જેને પગલે જો આગ ટેન્ક સુધી પહોંચે તો પ્રચંડ બ્લાસ્ટ થવાની ભીતિ વચ્ચે કામદારોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટાવરમાંથી નીકળી આગની વિકરાળ જ્વાળાઓ
મોડી રાત્રે ફેક્ટરીમાં કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પ્લાન્ટના મુખ્ય પ્રોસેસિંગ ટાવર સ્ટ્રક્ચરમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે ટાવરના ઉપરના ભાગ સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ એટલી ભયાનક હતી કે બાવળા-બગોદરા હાઈવે પર દૂર-દૂરથી આગની લાલ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટા નજરે પડતા હતા.આગ ભભૂકતાં જ ફેક્ટરી પરિસરમાં સાયરન વાગ્યા હતા અને અંદર કામ કરી રહેલા શ્રમિકો જીવ બચાવવા માટે પ્લાન્ટની બહાર ખુલ્લા મેદાન તરફ દોડતા જોવા મળ્યા હતા.કંપનીમાં તેલના મોટા સંગ્રહ ટેન્કો હોવાથી આગ ત્યાં સુધી ન પહોંચે તે માટે તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.
