અમદાવાદ જિલ્લાના બાવળા (Bavla) શહેરમાંથી એક ગંભીર આગની ઘટના સામે આવી છે. શહેરના એક ઇલેક્ટ્રોનિક્સ (Electronics) ના વિશાળ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનની અંદર ઇલેક્ટ્રોનિક સામાન અને વેરહાઉસિંગ મટિરિયલ્સ મોટા પ્રમાણમાં સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા છવાઈ ગયા હતા.
નગરપાલિકા પાસે ટેન્કરના અભાવે વિકસી ગંભીર પરિસ્થિતિ
આગની માહિતી મળતાની સાથે જ 2 ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ થોડી જ વારમાં ફાયર ફાઈટરમાં રહેલું પાણી ખૂટી જતાં રાહત અને બચાવ કામગીરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. તપાસ કરતા સામે આવ્યું હતું કે બાવળા નગરપાલિકા (Municipality) પાસે પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કરનો મોટો અભાવ છે. પાણી ખૂટી જતા બંને ફાયર ફાઈટરને નાછૂટકે પાણી ભરવા માટે પરત રવાના થવું પડ્યું હતું. આ સમય દરમિયાન આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બન્યું હતું.
