ગુજરાતના અન્નદાતા સમાન ખેડૂતો હાલમાં ભારે આર્થિક સંકટ અને કુદરતી પ્રકોપનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે, જેને લઈને ખેડૂત વર્ગમાં સરકાર સામે ભારે રોષ અને લાચારી જોવા મળી રહી છે. જિલ્લામાં ઓછો વરસાદ પડવાને કારણે પાકનું ઉત્પાદન ખૂબ જ ઘટ્યું છે, ઉપરથી સિંચાઈ માટેનું પાણી અને જળાશયો પણ બંધ હાલતમાં હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.
કપાસનું ઉત્પાદન ઘટ્યું, પાણીની અછત વચ્ચે ખેડૂતોની હૈયાવેદના
સુરેન્દ્રનગર પંથકમાં મુખ્ય પાક ગણાતા કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. સિંચાઈના પાણીની પૂરતી સવલતો ન મળવાને કારણે ખેતરોમાં ઊભો પાક નિષ્ફળ જવાની અણી પર છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કુદરતે સાથ છોડ્યો છે અને બીજી તરફ આર્થિક પરિસ્થિતિ સાવ કથળી ગઈ છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ સરકાર સામે ગુહાર લગાવી છે કે જો સમયસર સહાય કે રાહત નહીં મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા હોય, તો પછી ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે તેવો સવાલ પણ અન્નદાતાઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
