અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી અગ્નિકાંડની ઘટના સામે આવી છે. અહીં આવેલી અને જાણીતી બ્રાન્ડની ચોકલેટનું ઉત્પાદન કરતી ‘લિમેક’ કંપનીની ફેક્ટરીના ત્રીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્રીજા માળે ચોકલેટ મેકિંગ યુનિટની સાથે પેકિંગ માટે મોટા પ્રમાણમાં કાર્ડબોર્ડ (પૂંઠા) અને જ્વલનશીલ પેકિંગ મટિરિયલનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ડિબાંગ ધુમાડા અને ઊંચી જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરો દ્વારા ૨ કલાક સુધી ૧ લાખ લિટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધા બાદ અંદરથી એક કમનસીબ યુવકનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સાણંદ, બાવળા અને અમદાવાદ ફાયર બ્રિગેડનું મોટું રેસ્ક્યુ ઓપરેશન
મોડી રાત્રે લાગેલી આગની ભયાનકતા જોતાં સાણંદ, બાવળા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ૪ ફાયર ફાઇટર સહિતની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફેક્ટરીના ત્રીજા માળે આગ ચારેતરફ ફેલાઈ ગઈ હોવાથી ફાયર જવાનોએ હાઇડ્રોલિક ક્રેન અને હોઝ પાઇપની મદદથી સતત બે કલાક સુધી અંદાજે એક લાખ લિટર પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી.
