વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાવાની વધુ એક ગંભીર ઘટના મોડી રાત્રે સામે આવી છે. શહેરના દંતેશ્વર તળાવ વિસ્તારમાં એક કારચાલકે ભારે માત્રામાં નશો કરીને વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલી કારે રસ્તા સાઈડે ઊભેલી એક ઓટોરિક્ષા તેમજ ખાણીપીણીની લારીને જોરદાર ધડાકા સાથે ફંગોળી દીધી હતી. આ કાળજું કંપાવનારા અકસ્માતમાં રિક્ષા અને લારી પાસે ઊભેલા બે થી ત્રણ નિર્દોષ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને કારચાલક ભાન ભૂલી ગયેલી હાલતમાં ઝડપાઈ જતાં ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ તેને સ્થળ પર જ ઘેરી લીધો હતો અને તાત્કાલિક મકરપુરા પોલીસ મથકને સોંપી દીધો હતો.

ધડાકાભેર રિક્ષા-લારીને ટક્કર મારી

દંતેશ્વર તળાવ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી રોડની સાઈડે ઊભેલી રિક્ષામાં ધસી ગઈ હતી અને ત્યારબાદ બાજુમાં લાગેલી લારી સાથે ધડાકાભેર અથડાઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કુરચો બોલી ગયો હતો અને લારી ઊંધી વળી ગઈ હતી. ઘટનામાં ત્યાં હાજર 2 થી 3 લોકોને હાથ-પગ અને માથાના ભાગે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડાયા છે.અકસ્માતનો મોટો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. કારમાંથી નીચે ઉતરેલો ચાલક પગ પર પણ ઊભો રહી શકતો નહોતો. નશાની હાલત જોઈ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને કોઈ અઘટિત બનાવ બને તે પહેલાં તેને પોલીસને હવાલે કરાયો હતો.

મકરપુરા પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નશેડી કારચાલકની અટકાયત કરી લીધી હતી. પોલીસે કારચાલકનું તબીબી પરીક્ષણ કરાવી તેના બ્લડ સેમ્પલ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી નશાનું ચોક્કસ પ્રમાણ સાબિત કરી શકાય.મકરપુરા પોલીસે બેફામ ગતિએ વાહન ચલાવી અકસ્માત સર્જવા, લોકોની જિંદગી જોખમમાં મૂકવા તેમજ પ્રોહિબિશન (દારૂબંધી ધારા) ની કલમો હેઠળ ગુનો નોંધી કાર જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: દિવાળીની રાત્રે મુસાફરી કરતાં પહેલાં સાવધાન! આવતીકાલે સાંજે 7 વાગ્યા પછી અમદાવાદ મેટ્રો નહીં દોડે